ગઈ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો શુભારંભ કર્યો હતો. મોદીએ દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કમાં પીપળાનું વૃક્ષ વાવીને દેશવાસીઓને આપણી પૃથ્વીને ઉત્કૃષ્ટ બનાવવામાં યોગદાન આપવા માટે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવાની અપીલ કરી હતી, સમગ્ર દેશની સાથે સંઘપ્રદેશ દમણમાં પણ એક પેડ મા કે નામ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના દરેક કાર્યકર્તાઓએ ભાગ લઈને પોતપતાના ઘરો અને વિસ્તારોમાં માતાના નામે વૃક્ષો રોપ્યાં હતાં. દમણમાં 21 જૂનથી શરુ થયેલા અને 6 જુલાઈ સુધી ચાલેલા એક પેડ મા કે નામ અભિયાનમાં ત્રણેય સંઘપ્રદેશોમાં 10 હજારથી પણ વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા, સમગ્ર દેશમાં એક પેડ મા કે નામ અભિયાનને મળેલા જબરદસ્ત પ્રતિસાદને લઈને પ્રધાનમંત્રીએ આ અભિયાન 15 ઓગસ્ટ સુધી લંબાવવાની અપીલ કરી હતી, જે અંતર્ગત આજે દમણ ભાજપ કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત દમણ જિલ્લા ભાજપના દરેક મોરચા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંઘપ્રદેશના દરેક મંડળમાં જઈને વૃક્ષો વાવવાનું જણાવવામાં આવ્યું હતું, આ વખતે ભાજપે ત્રણેય સંઘપ્રદેશોમાં 15 ઓગસ્ટ સુધીમાં 15 હજારથી પણ વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ સેવ્યો છે, જેને પૂર્ણ કરવા અને જાહેર જનતામાં પર્યાવરણ અને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ લાવવા ભાજપ દ્વારા એક વૃક્ષ રથનું નિર્માણ કરવામાં આવશે, જે દમણના દરેક મંડળ અને બૂથમાં ફરીને વૃક્ષો વાવશે, તેમજ આ વાવેલા વૃક્ષોના રક્ષણ માટે ઝાળીઓ પણ લગાવશે, આજે ભાજપ ઉપાધ્યક્ષ નવીન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ભાજપ જિલ્લા પ્રમુખ અસ્પી દમણિયા, ઉપાધ્યક્ષ મહેશ અગરિયા સહીત દમણ ભાજપના દરેક મોરચાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ