વાપીમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત બિહાર વેલફેર એસોસિયેશન દ્વારા બિહાર રાજ્યના 112 માં બિહાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાપી નજીક આવેલ રાતા ગામના ગુલાબ નગરમાં આવેલી કે.પી.વિદ્યામંદિર ખાતે આયોજિત ફ્રી મેગા હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.નિષ્ણાંત તબીબો દ્વારા ઉપસ્થિત 1000 જેટલા દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કરી દવાઓ પૂરી પાડી હતી.
વર્ષ 1912 માં 22મી માર્ચે બંગાળથી બિહાર અને ઓરિસ્સા અલગ થયા અને અલગ રાજ્ય બન્યા.તે દિવસથી દર વર્ષે બિહારમાં 22મી માર્ચના બિહાર દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસને ધ્યાનમાં રાખીને વાપીમાં સામાજિક ક્ષેત્રે કાર્યરત બિહાર વેલફેર એસોસિએશન દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અંગે બિહાર વેલફેર એસોસિએશનના પ્રમુખ વિપુલ સિંઘ અને મહિલા પ્રમુખ સુનિતા તિવારીએ જણાવ્યું હતું કે બિહારમાં બિહાર દિવસ વર્ષોથી મનાવવામાં આવે છે.જેને ધ્યાને રાખીને આ વખતે સંસ્થાના આગેવાનો સાથે મળી નિર્ણય લેવામાં આવ્યો કે આ દિવસની ઉજવણી વાપીમાં પણ કરવામાં આવે.જે માટે ફ્રી મેગા હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ વાપીના છીરી અને રાતા વિસ્તાર પસંદ કરવામાં આવ્યો હતો. અહીં બિહારના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. જેમાંના ઘણા લોકોને બિહાર દિવસથી અજાણ છે. જેઓને આ દિવસની જાણકારી મળે સાથે તેઓનું કે તેઓના પરિવારમાં નાની મોટી બીમારીથી પીડાતા સભ્યોનું નિદાન કરાવી શકે, તબીબો પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.રાતાની કે.પી.વિદ્યામંદિર સ્કૂલમાં આયોજિત આ કેમ્પમાં નિષ્ણાંત તબીબો દ્વારા ઉપસ્થિત તમામ દર્દીઓનું નિદાન કરી જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી.આ મેડિકલ કેમ્પમાં વાપીની જાણીતી સંવેદના હોસ્પિટલના ડૉ.શોભા એન્ડી તેમજ બિહાર વેલફેર એસોસિએશન સંસ્થાના ચેરમેન ડૉ.કે.પી.સિંહા,ડૉ.રજનીશ રંજન,હરિયા હોસ્પિટલ ના ડાયરેક્ટર ડોક્ટર એસ.એસ.સીંગ સહિતના તબીબો એ પોતાની સેવા પૂરી પાડી હતી.
ફ્રી મેગા હેલ્થ મેડીકલ ચેકઅપ કેમ્પમાં મહિલાઓએ તેમના વિવિધ રોગો માટે નિદાન કરાવ્યું હતું. એ ઉપરાંત મોટી ઉંમરના વડીલો, પુરુષો અને બાળકો મળી અંદાજિત 1000 જેટલા દર્દીઓને પોતાની બીમારીઓનું નિદાન કરાવી જરૂરી માર્ગદર્શન અને દવા મેળવી હતી. બિહાર દિવસ નિમિત્તે આયોજિત આ કેમ્પનું સ્વામિનારાયણ સંસ્થાના સંતો, શાળાના આચાર્ય, ટ્રસ્ટીઓ, ટ્રસ્ટના આગેવાનો, વિદ્યાર્થીઓ, મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.