સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વિદ્યાર્થીઓએ સ્કોલરશીપની માંગ સાથે આંદોલન શરુ કર્યુ છે. શિષ્યવૃતીનાં અભાવે હાલાકી ભોગવતા વિદ્યાર્થીઓ સુત્રોચ્ચાર સાથે જિલ્લા કલેકટર કચેરીનીં સામે જ ધરણા શરુ કર્યા છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સ્કોલરશીપની માંગને લઈ વિદ્યાર્થીઓએ ધરણા પ્રદર્શન કર્યા હતા.દાદરા નગર હવેલીના આદિવાસી પરિવારના ગરીબ બાળકોને સરકાર દ્વારા અપાતી સ્કોલરશીપ વર્ષના અંતે પણ ન મળતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં.વિદ્યાર્થીઓ જે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરે છે,ત્યાં સ્કોલરશીપ નહીં મળતાં તેની સીધી અસર એડમિશન પર પડે તેવું વિદ્યાર્થીઓ જણાવી રહ્યાં છે.જેથી આ માંગણીને લઇ અગાઉ પણ અનેકવાર સંબંધિત વિભાગો અને પ્રશાસન સુધી સ્કોલરશીપ આપવાની માંગ કરી ચૂક્યા છે.પરંતુ આજદિન સુધી તેનો કોઇ નિવેડો નહીં આવતા આદિવાસી વિદ્યાર્થીઓએ સેલવાસ કલેક્ટર કચેરી સામે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઇ ધરણા કર્યાં હતાં.જેમાં વિદ્યાર્થીઓએ Scholarship is our Right, શિક્ષણ અમારો અધિકાર છે જેવા બેનર લઈ સ્કોલરશીપની માંગ કરી હતી.સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની શૈક્ષણિક સંસ્થાઓ અને દાદરા નગર હવેલીના રહેવાસી પરંતુ બહારની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે.જે હજુ સુધી ન મળતાં વિદ્યાર્થીઓએ 11મી માર્ચ ના રોજ પોતાની નારાજગી વ્યક્ત કરી,પ્રશાસન સમક્ષ સ્કોલરશીપની માંગ સાથે, કલેકટર કચેરીની સામે ધરણા કરી રોષ ઠાલવ્યાો હતો.
ઉલ્લેખનીય છે કે,આ પહેલા પ્રશાસન દ્વારા મોટા ઉપાડે લેપટોપ વિતરણ કાર્યક્રમ યોજ્યા બાદ તે લેપટોપ કોલેજના વિદ્યાર્થીઓ ને નહિ મળતા તેઓએ પણ કલેકટર કચેરી સામે ધરણા કર્યા હતાં.જે સમયે પ્રશાસને કડક વલણ અપનાવી વિવાદને ડામી દેવાનો પ્રયાસ કર્યો હતો.જે બાદ સ્કોલરશીપ ના મામલે પણ પ્રશાસને કડક વલણ અપનાવ્યા બાદ આખરે હૈયા ધરપત આપી વિરોધને થાળે પાડવાના પ્રયાસ કર્યા હતાં.
દાદારા નગર હવેલીથી આલમ શેખનો રીપોર્ટ