ભરુચમાં ફેબ્રુઆરી મહિનામાં એક રાત્રે દહેજમાં એટીએમ તોડવાનો પ્રયાસ અને વાગરામાં એટીએમ ઉઠાવી જવાની ઘટના બની હતી. પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે તસ્કરોએ આ ઘટનાને અંજામ આપી પોલીસ સામે પડકાર ફેંક્યો હતો. એક જ મહિનામાં ભરુચ એલસીબી, એસઓજી તેમજ દહેજ અને વાગરા પોલીસે રાત દિવસ એક કરી ચોરીમાં વપરાયેલા મુદ્દામાલ, બે કાર અને રોકડા રૂપિયા સહિત 5 લોકોને ઝડપી પાડી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગુનામાં હરિયાણાની મેવાતી ગેંગ પણ સામેલ હોય અન્ય 7 આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરાયા છે. તેમજ હત્યા અને એટીએમ ચોરીના અન્ય ગુનાનો પણ ભરુચ પોલીસે ભેદ ઉકેલ્યો છે.
દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના જોલવા ગામે આવેલ ATM સેન્ટરમાં ચોરીનો પ્રયાસ કરાયો હતો. તે જ રાત્રીએ વાગરા ટાઉનમાં જે.બી.કોમ્પલેક્ષ આવેલ HDFC બેંકના ATM સેન્ટરમાં પ્રવેશી ATM મશીનનું ગ્રાઉટીંગ તોડી ATM મશીનને સ્કોર્પિઓમાં ગાડીમાં મુકી, તેમાં રાખેલ રોકડ રૂપિયા 3,52,500/- ની ચોરી કરાઈ હતી. આ બનાવો સંબંધે દહેજ તથા વાગરા ખાતે ગુનો નોંધાયેલ હતો. આ મામલે પોલીસ અધીક્ષક મયુર ચાવડા એ તાત્કાલિક એક્શનમાં આવી નાયબ પોલીસ અધીક્ષક ભરૂચ અને જંબુસર તથા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી. પેરોલ ફર્લો સ્કોવોર્ડ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યુ હતું. તેના આધારે એલ.સી.બી પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાએ, જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી, લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોવોર્ડની અલગ અલગ ટીમ બનાવી, સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ.
આ ગુનાની તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પિસાદ ગામની સીમમાં ખેતરમાં આરોપીઓ દ્વારા ATM મશીનને ગેસ કટર વડે કટ કરેલ ATM ના ભાગો મળી આવેલ જે આધારે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવર તથા તેઓની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી સતત વર્ક આઉટ હાથ ધરેલ. આ ભરૂચના ATM ચોરીના બનાવ બાદ તુરંત જ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી SBI ATM સેન્ટરમાં ચોરી થયેલ. જેથી આ બાબતે વધુ કોઇ માહીતી મળી રહે તે ઉદ્દેશથી એલ.સી.બી.ની ટીમને તાત્કાલિક નંદુરબાર ખાતે તપાસમાં ગઈ હતી.આ દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા રૂટ ઉપરના 500 થી વધુ CCTV ફુટેજ જોઇ એનાલીસીસ કરી તથા ટેક્નિકલ એનાલીસીસ આધારે આરોપીઓને આઇડેન્ટીફાય કરી, આરોપીઓ સુધી પહોંચવા સઘન પ્રયત્નો હાથ ધરેલ હતા. આ દરમ્યાન બાતમી મળેલ કે વાગરા ATM ચોરી તથા દહેજ ATM ચોરીની કોશીષના ગુનામાં સંડોવાયેલ એક આરોપી ઈરફાન હાલ ભરૂચમાં આવેલ છે. જેથી તાત્કાલિક તેને ઝડપી પાડી તેની પુછપરછ હાથ ધરતા આરોપી ઇરફાન ઉર્ફે રોનકે કબુલાત કરતા જણાવેલ કે અંકલેશ્વર IIFL ગોલ્ડની લૂંટમાં પકડાયેલ સલીમ ઉર્ફે મુસાએ ભરૂચ શહેર ફાતીમાં પાર્કમાં મકાન ભાડે રાખી ત્યાં મેવાતી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે આ ATM ચોરી કરાવેલ છે. મુખ્ય સુત્રધાર સલીમ ઉર્ફે મુસો તથા તેના સાગરિતો હાલ ઇન્દોર માં છુપાયેલા છે.
જેથી SOG પી .એસ.આઇ. આર.એસ.ચાવડા સાથે લોકલ ક્રાઇમ બ્રાંચ/પેરોલ ફર્લો સ્ક્વોડની એક ટીમ તાત્કાલિક ઇન્દોર મોકલી આપી છુપાયેલા આરોપીઓને ઇન્દોર પોલીસની મદદથી ઇન્દોર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એલ.સી.બી.ભરૂચ ખાતે લઇ આવી તેઓની પુછપરછ કરતા આરોપીઓએ ATM મશીનને ગેસ કટર વડે કાપી ચોરી કરવામાં માહીર હરીયાણાની “મેવાતી ગેંગ” મારફતે દહેજ,વાગરા તથા નંદુરબાર ખાતે ATM ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત આરોપી સલીમ ઉર્ફે મુસો તથા અન્ય બે વોન્ટેડ આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના માવસરી પોલીસ મથક માં સોપારી કીલીંગના ગુનામાં વોન્ટેડ હોવાની હકિકત પણ જણાઇ આવેલ છે. જેથી ATM ચોરીઓના ગુનામાં વપરાયેલ સ્કોર્પિઓ ગાડી, મેવાત પરત જવા માટે ઉપયોગમાં લીધેલ કાર, રોકડા રૂપિયા મોબાઇલ ફોન, પાના પક્કડ વિગેરે સામાન મળી કુલ રૂપિયા 20,41,650/- ના મુદ્દામાલ કબ્જે કરી ગુનાઓમાં સંડોવાયેલ ’મેવાતી ગેંગ’ના તથા અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી, પકડાયેલ આરોપી વિરૂધ્ધ ક્રીમીનલ પ્રોસીજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી, વાગરા પોલીસ સ્ટેશન માં સોંપવામાં આવેલ છે. દહેજ પોલીસ તથા બનાસકાંઠા જીલ્લાના માવસરી પોલીસ સ્ટેશન તથા નંદુરબાર ખાતે જાણ કરવા તજવીજ હાથ ધરી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવેલ છે.