વાપી નજીક પસાર થતી રાતા ખાડીમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતાં સંમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જો કે મૃતક વિદ્યાર્થી મંગળવારે શાળાએ ગયા બાદ પરત ફર્યો ન હતો.જેની ગુમ થયાની નોંધ જીઆઇડીસી પોલીસ મથકમાં નોંધાઇ હતી.જે ગુરુવારે રાતાં ખાડી પાસે તેની બેગ મળી આવી તેથી પાણીમાં તપાસ કરતાં તેનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો.
મળતી વિગતો મુજબ વાપીની એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં અભ્યાસ કરતો ધોરણ-11નો વિદ્યાર્થી મંગળવારે બપોરે સ્કૂલથી ઘરે પરત આવ્યો નહોતો. જેથી પરિવારે સગાસબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં ટેલિફોનિક સંપર્ક કરી તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ જગ્યાએ તેની ભાળ નહિ મળતા પરિવારે GIDC પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.આ બાબતે વિદ્યાર્થીને અભ્યાસમાં ઠપકો આપતા તે ચાલી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.બુધવારે સવારે ગુમ વિદ્યાર્થીની સ્કૂલ બેગ સમર્પણ જ્ઞાન સ્કૂલ પાછળ આવેલ રાતા મુળગામ ખાડી પાસે પથ્થર પરથી મળી આવી હતી. જેથી પરિવારજનો સહિત પોલીસ અને ફાયર વિભાગની ટીમ ત્યાં દોડી ગઈ હતી. ફાયરની ટીમના 7થી વધુ તરવૈયા જવાનોએ 25 ફૂટ ઉડા પાણીમાં સવારથી સાંજ સુધી શોધખોળની પ્રક્રિયા હાથ ધરી હતી.વિદ્યાર્થીની કોઈ ભાળ નહિ મળતા તે કદાચ બેગ મૂકીને ક્યાંક નીકળી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું પરંતુ ગુરુવારના દિવસે અચાનક પાણીમાં મૃતદેહ દેખાતા ફરી પોલીસ અને ફાયરને જાણ કરવામાં આવી હતી. જેઓએ મૃતદેહને બહાર કાઢી તપાસતા આ મૃતદેહ 2 દિવસ અગાઉ ગુમ થયેલ વિદ્યાર્થીનો હોવાની ઓળખ થઈ હતી.વહાલસોયા દીકરાના મૃતદેહને જોઈ પરીવારમાં આક્રંદ સાથે ગમગીનીનો માહોલ પ્રસર્યો હતો.