ધારાસભ્ય બન્યા પછી બે વર્ષમાં ચૈતર વસાવાની સંપતિ કેટલી વધી ?

ધારાસભ્ય બન્યા પછી બે વર્ષમાં ચૈતર વસાવાની સંપતિ ન વધી પણ પોલીસ કેસમાં ઉછાળો થયો

દેડિયાપાડા વિધાનસભાના આપના ધારાસભ્ય હવે ભરુચ લોકસભાના ઉમેદવાર છે. તેઓ આજે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યુ હતું. ત્યારે તેમની સંપતીમાં છેલ્લા 2 વર્ષમાં કેટલો ઉછાળો આવ્યો તે જોતા કેટલીક મહત્વની બાબતો ઉડીને આંખે વળગી છે.

2022માં દેડિયાપાડા વિધાનસભા બેઠક પર ઉમેદવારી કરનારા ચૈતર વસાવાના હાથ પરની રોકડ 2022માં 2 લાખ હતી. તેમજ તેમની બન્ને પત્નીઓ શંકુતલાબેન પાસે હાથ પરની રોકડ 2 લાખ અને વર્ષાબેન પાસે 50 હજાર હતી. 2024માં તેમાં કોઈ ફેર પડ્યો નથી. 2000માં ચૈતર વસાવા પાસે જીજે 22 એચ 0077ની મહીન્દ્રા એસયુવી હતી તે બે વર્ષ પછી પણ એ જ ગાડી વાપરી રહ્યા છે.જેની કિંમત 8 લાખથી ઘટીને 6 લાખ થઈ છે.

2022માં ચૈતર વસાવા પાસે 3 તોલા સોનું, તેમની પત્ની શકુંતલાબેન પાસે 7 તોલા સોનુ તેમજ વર્ષા બેન પાસે 3 તોલા સોનું હતુ. જેમાં અશંત: વધારો થયો છે. હાલમાં ચૈતર વસાવા પાસે 5 તોલા, શકુંતલાબેન પાસે 9 તોલા અને વર્ષાબેન પાસે 5 તોલા એટલે કે ત્રણેયના મળીને 6 તોલા સોનાનો વધારો થયો છે.

આ ઉપરાંત તેમની સ્થાવર અને જંગમ મિલ્કતમાં કોઈ ફેર પડ્યો નથી. સૌથી વધુ જો કોઈ વસ્તુમાં વધારો થયો હોય તો તે પોલીસ કેસ છે. 2022માં ચૈતર વસાવા સામે અલગ અલગ 8 કેસો હતા જ્યારે 2 વર્ષમાં તેમની પર થયેલા કેસની સંખ્યા વધીને 13 પર પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવા સામે ભલે પોલીસ કેસમાં વધારો થયો હોય પરંતુ આ પોલીસ કેસ તેમના માટે ફળદાયક સાબિત થયા છે. કેસના લીધે તેમણે અને તેમના પરિવારે સંઘર્ષ કરવો પડ્યો પરંતુ આ કેસના લીધે તેમને આદિવાસી સમાજની સહાનુભૂતિ મળી અને તેમની લોકપ્રિયતામાં વધારો થયો.

ભરુચથી ગૌતમ ડોડીઆનો રિપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *