સમગ્ર દેશની સાથે વાપીમાં પણ રામભક્તોએ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નોમ, 17મી એપ્રિલ 2024ના ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત હિન્દૂ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા કુલ 9 કિલોમીટરના રૂટ પર ફરી મોડી સાંજે અંબામાતા મંદિર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પોલીસ જવાનો ઉપરાંત યાત્રામાં જોડાયેલ તમામ રામભક્તોને ગરમીમાંથી રાહત અપાવવા ઠંડુ પાણી પીવડાવ્યું હતું. હિન્દૂ સમાજના આગેવાનોનું સ્વાગત કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતાં.
રામનવમીની શોભાયાત્રા ડુંગરાથી પ્રસ્થાન થયા બાદ ચાર રસ્તા થઈ ઇમરાનનગર વિસ્તારમાં પહોંચી હતી. અહીં મસ્જિદ નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા અને તેમની ટીમ વિશેષ ઉપસ્થિત રહી હતી. જેઓનું મસ્જિદ કમિટી, જમીયત ઉલમાં ટ્રસ્ટ વાપી, મુસ્લિમ જમાત તરફથી ઇન્તેખાબ ખાન અને અગ્રણી મુસ્લિમ આગેવાનોએ સ્વાગત કર્યું હતું.શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહિ, દરેક કોમ અન્ય ધર્મને સન્માન આપે. આચાર સંહિતાનું કે કોમી એકતાનું ક્યાંય ઉલ્લંઘન ના થાય તેવી અપીલ વલસાડ જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાએ કરી હતી. જેને હિન્દૂ-મુસ્લિમ સમાજે આવકારી હતી. મસ્જિદ નજીકથી શોભયાત્રા પસાર થઈ ત્યારે બન્ને સમાજના લોકોએ એકબીજાના ધર્મની મર્યાદા જાળવી હતી. ઇમરાન નગર થઈ શોભાયાત્રા કોપરલી ચારસ્તા, ગુંજન ચોક અને ત્યાંથી અંબા માતા મંદિરે મહાઆરતી સાથે સંપન્ન થઈ છે. શોભાયાત્રામાં પોલીસની કામગીરીને મુસ્લિમ સમાજના અને હિંદુ સમાજના આગેવાનોએ બિરદાવી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ