વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝ વિસ્તારમાં નોકરી પર જઈ રહેલ રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી મોપેડ સવાર બે ઈસમો ફરાર થઈ ગયા હતાં. આ બનાવ અંગેની ફરિયાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસ ટીમે બે ઈસમોને ઝડપી પાડી મોપેડ અને ફોન કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ યુપી અને હાલ વાપી નજીકના ભડકમોરા, સુલપડમાં આવેલ ચાલીમાં નિખિલસીંગ પ્રેમશંકર સિંગ (ઉં.19) રહે છે અને તેઓ જીઆઈડીસી થર્ડ ફેઝમાં આવેલ કંપનીમાં નોકરી કરે છે. રાબેતા મુજબ તેઓ સવારે ચાલતા નોકરી ઉપર જઈ રહ્યા હતા અને તેઓ મોબાઈલ ફોન ઉપર વાતચીત કરી રહ્યા હતા તે સમયે મોપેડ સવાર બે ઈસમો આવ્યા હતા અને મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થઈ ગયા હતાં. આ બનાવ અંગેની ફરિયાદ નિખિલસીંગે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં જાણ કરી હતી.જેથી વાપી ઉદ્યોગનગર પોલીસ ટીમે બાતમીના આધારે વાપી જીઆઈડીસી, મોરારજી સર્કલ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ વર્ણવેલ ઈસમો મોપેડ પર આવતા તેઓને રોકયા હતા અને નામઠામ પૂછતા (1) અકરમ હુસેન ઉર્ફે બદ્દામ રમજાન અલી મનીહાર (ઉં.22, રહે. લવાછામાં આવેલ ચાલીમાં, વાપી, મૂળ યુપી) (2) સલમાન ઉર્ફે સલ્લુ મુસ્તકીમ મનીહારા (ઉં.18, રહે. નાની તંબાડી ગામની ચાલીમાં, વાપી, મૂળ યુપી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓની અંગઝડતી કરતા 3 મોબાઈલ ફોન મળ્યા હતા. જેથી પોલીસે મોપેડ તથા મોબાઈલ ફોન અંગે જરૂરી આધારપુરાવા માંગતા કોઈ સંતોષકારક જવાબ આપ્યા ન હતા અને સઘન પૂછપરછ કરતા આ મોબાઈલ ફોન જીઆઈડીસીમાંથી રાહદારીના હાથમાંથી ઝૂંટવી ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે આ અંગે તપાસ કરતા મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાયેલ હતી. પોલીસે મોબાઈલ ફોન અને ગુના આચરવા માટે વાપરેલ મોપેડ કબજે લઈ બંને ઈસમોની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ, વાપી ઉદ્યોગનગર પોલીસ ટીમે મોબાઈલ ઝૂંટવનારા બે ઈસમોને ઝડપી પાડી ગુનો ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ