–અકસ્માતની ઘટના CCTVમાં કેદ વાપીના બલીઠા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ટક્કર, કારચાલકનો ચમત્કારિક બચાવ
વલસાડના વાપીના બલીઠા હાઈવે પર આજે બપોરના સમયે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયાના સીસીટીવી સામે આવ્યા છે. કારચાલક રોડની સાઈડમાંથી અચાનક રોંગસાઈડમાં હાઈવે પર આવી જતા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારને નુકસાન થયું હતું. જો કે, કારચાલકનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે હજી સુધી પોલીસ સમક્ષ કોઈ માહિતી આવી નથી.
વલસાડ જિલ્લાના વાપીના બલીઠા ગ્રામ પંચાયત પાસે આવેલા બ્રહ્મદેવ બાપના મંદિર પાસેથી પસાર થતા હાઇવે ઉપર સર્વિસ રોડ ઉપર વાપી તરફ જતી કાર અચાનક સર્વિસ રોડ ઉપરથી મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર આવી પહોંચી હતી. સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને થતો અટકાવવા ટ્રક ચાલકે પોતાના ટ્રકને બ્રેક મારી અકસ્માત થતા બચાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા. અકસ્માત થતા આજુબાજુથી પસાર થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ગભરાયેલો કાર ચાલકે કાર ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું.અકસ્માતમાં કારમાં ભારે નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
વાપી ટાઉન પોલીસ મથકના PSO અને PI કે જે રાઠોડને બલીઠા હાઇવે ઉપર થયેલા અકસ્માત અંગે પૂછતાં પોલીસ મથકે આવી કોઈ નોંધ કે જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. ઘટના અંગે કારચાલક અને ટ્રક ચાલકે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી.સમગ્ર ઘટના વાપીના બલીઠા ગ્રામ પંચાયત પાસે આવેલા બ્રહ્મદેવ બાપના મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ