મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને આજે ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.એસ.ઓ.જી ની ટીમ જિલ્લામાં ટીમ બનાવી તપાસમાં હતી તે દરમિયાન પી.આઈ.ને બાતમી મળતા બાતમીના આધારે સ્થળ છાપો મારતાં લુણાવાડા તાલુકાના ચોરી ગામેથી સૂકો ગાંજો મળી આવ્યો હતો.ગાંજાના જથ્થા સાથે એસ.ઓ.જીએ આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-20-at-9.57.51-PM.jpeg)
ઉચ્ચ પોલીસ અધિકારી તેમજ મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા માદક પદાર્થોની હેરાફેરી તેમજ વેચાણને અટકાવવા જિલ્લા પોલસીને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા એસ.ઓ.જી શાખાના પી.આઈ. એ.બી.અસારી દ્વારા પીએસઆઇ વી. ડી.ખાંટ તેમજ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં સતત તપાસ કરવામાં આવી રહી છે.એસ.ઓ.જી ટીમની તપાસ દરમિયાન પી.આઈ. એ.બી.અસારીને બાતમી મળી હતી કે, લુણાવાડા તાલુકાના ચોરી ગામનો રહેવાસી દિલીપસિંહ ઉર્ફે લાલો નરાયણભાઈ પરમાર પોતાના ઘરે સુકો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે.તેવી બાતમી મળતા SOG પીએસઆઇ પોલીસ સ્ટાફ સાથે દિલીપ ઉર્ફે લાલાના ઘરમાં રેડ પાડી હતી. જે દરમિયાન પીલીસને 11.830 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેની કુલ કિંમત રૂપિયા 1,18,300 થાય છે.તમામ મુદ્દામાલ સાથે આરોપી દિલીપસિંહ ઉર્ફે લાલો નરાયણભાઈ પરમારને ઝડપી પાડી કોઠંબા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહીસાગરથી ભીખાભાઈ ખાંટનો રીપોર્ટ