-ટ્રકચાલકોએ કારમાં સવાર તમામ 4 લોકોને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા
વાપી હાઇવે બ્રીજ પર રાત્રીના સમયે પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર બ્રીજની પાળી પર અથડાઇને કાર પલટ ખાઇ ગઇ હતી.આ જોઇ ટ્રક ચાલકે સતર્કતા દાખવી તેમની મદદે દોડી આવી કારમાં સવાર તમામ 4 મુસાફરોને બહાર કાઢવામાં આવ્યાં હતાં. જોકે કાર પલટી ખાઇ જતાં કારમાં સવારને ઇજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં હતાં. બનાવને પગલે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.
વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ રાજસ્થાન અને હાલ વલસાડ મોગરાવાડીમાં આવેલ ચાલીમાં હિમ્મતરામ લુંબાજી માલી (ઉં.38) પરિવાર સાથે રહે છે અને તેઓ કેટરીંગનું કામકાજ કરે છે અને કેટરર્સના સ્ટાફ માટે કાર ખરીદી તેનો ઉપયોગ કરે છે. સેલવાસમાં કેટરીંગના કામકાજ માટે હિમ્મતરામ તથા કેશવકુમાર જગદીશ ગુર્જર, કાંતિલાલ મુલારામ માલી અને જીવારામ ધનરામ પ્રજાપતિ સાથે કારમાં બેસી જતા હતાં. કાર કેશવકુમાર ચલાવી રહ્યા હતાં. રાત્રીના આશરે બે વાગ્યાની આસપાસ કાર લઈ તેઓ વાપી જીઆઈડીસી ને.હા.નં.48, સુરતથી મુંબઈ તફર જતા યુપીએલ ઓવરબ્રીજ પર પહોંચી હતી તે સમયે કાર બ્રીજની સાઈડની પાળીના ભાગે અથડાઈ હતી અને કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત બનતા ટ્રકચાલકોની સતર્કતાને લઈ તેઓ મદદે દોડી આવી કારસવાર તમામ 4 ઈસમોને બહાર કાઢી,ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગેની ફરિયાદ હિમ્મતરામ માલીએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરવામાં આવી હતી
વાપીથી આલમ શેખનો રીપોર્ટ