-ગોકુળ ગાયની ગતીએ બની રહેલા રસ્તાથી રાહદારીઓ છ મહિનાથી પરેશાન
ગોકુળ ગાયની ગતીએ બની રહેલા રસ્તાથી રાહદારીઓ છ મહિનાથી પરેશાન
દમણ તીન બત્તીથી ભેંસલોર સુધીના માર્ગના છેલ્લા છ મહિનાથી ગોકુળગાયની ગતીએ ચાલતા નવીનીકરણ કાર્યથી વાહન ચાલકોની હાલત કફોડી બની છે.દમણના તીન બત્તીથી મશાલ ચોક અને મશાલ ચોકથી ભેંસલોર તરફ જતો માર્ગ 1 મહિનામાં બની જાય તેવી શક્યતા છે.પરંતુ કોન્ટ્રાક્ટરની દાનત છ મહિના સુધી ન ચાલતાં વાહન ચાલકો માટે માથાનો દુઃખાવા સમાન બની ગયો છે.
છ મહિના પહેલા આ રસ્તાનું નવીનીકરણ કાર્ય ચાલુ કર્યું હતું. આ પહેલા દિલ્હીથી આવતાં હાઇ કમાન્ડના નેતાઓના સ્વાગત માટે આખો રસ્તો હંગામી ધોરણે બનાવીને તૈયાર કરી જાહેર જનતા માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. તે બાદ ફરીથી રોડનું નવીનીકરણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં રોડની બંને તરફ જેસીબી,બુલડોઝરો અને ડમ્પરોની ભરમાર વચ્ચે વાહન ચાલકોની વચ્ચે એક દિવસ માટે આ રસ્તો બંધ થઇ જશે અને બની જશે તેવું આશ્વાસન સાથે કામ સિંદઇ બાઇના ડાબા કાનની જેમ રસ્તાનું કામ લાંબુને લાંબુ ચાલ્યા જ કર્યું છે.ગોકળગાયની ધીમી ગતિએ બેસાડો અને ઉખાડોની નીતિથી ચાલતાં કામને કારણે હવે આ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોનો મરો થઇ પડ્યો છે. રોડ પર પાથરેલી કપચી અને ઊડતી ધૂળના પ્રતાપે વાહન અને વાહન ચાલક એમ બંનેનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે. તો વાહનોના ટાયરોની વોરંટી પણ ખતમ થઇ રહી છે, કોરોના કાળમાં તો લોકોને જબરદસ્તી માસ્ક પહેરવું પડતું હતું,પરંતુ આ માર્ગ પરથી પસાર થતા લોકોએ તો ફરજીયાત માસ્ક પહેરીને જ અવરજવર કરવી પડે છે, ધૂળની ઊડતી ડામરીઓને કારણે વાહન ચાલકો સાથે રોડની આસપાસ રહેતા લોકો અને દુકાનદારો પણ પરેશાન થઇ ઉઠ્યા છે, તીન બત્તીથી લઈને છેક ભેંસલોર સુધી આખા માર્ગની આ જ હાલત છે, કામ દરમ્યાન ક્યારેક પીવાના પાણીની લાઈનો તૂટી જવાના બનાવો પણ બન્યા છે, જેથી લોકોએ ભર ઉનાળે કીચડમાં ચાલવાનો વારો આવ્યો છે, આ ઉપરાંત આખા માર્ગ પરથી ઘટાદાર વૃક્ષો કાપી નખાતા કાળઝાળ ગરમીમાં માર્ગ પર ચાલીને જતા રાહદારીઓની હાલત પણ દયનિય બની છે, ત્યારે હવે તંત્ર તેમના કોન્ટ્રાક્ટરોના કાન આમળે અને કામની સ્પીડ વધારીને ચોમાસુ આવતા પહેલા રોડનું નવીનીકરણ કાર્ય પૂર્ણ કરે તેવી માંગ ઉઠવા પામી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ