-પાણી રસ્તા વચ્ચે વહેતું ગયુ અને ઠેકઠેકાણે પાણીના ફુવારા ઉડ્યાં
ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાપી GIDC UPL બ્રિજ નજીક પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું છે. જેને કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, સતત ત્રણેક દિવસથી વેડફાઈ રહેલા આ પાણીને કારણે નજીકમાં બનાવેલ નવી નહેર પાણીથી ભરાઈ ગઈ છે. પરંતુ સરકારી બાબુઓને કે રાજકીય હોદ્દેદારોને દેખાતું નથી તેવું લાગી રહ્યું છે.આમ તંત્રની બેદરકારની કારણે ત્રણ દિવસથી હજારો લિટર પાણી વેડફાયું હોવાનું બુમ ઉઠવા પામી છે.
મુખ્ય માર્ગ પર UPL બ્રિજ નીચે વાપી GIDCને પાણી પૂરું પાડતી લાઇન પસાર થાય છે. દમણગંગા નદીના ઇન્ટેકવેલથી આ લાઇન GIDC અને વાપી ટાઉન સહિતના વિસ્તારમાં પાણી પુરવઠો આપતી મુખ્ય લાઇન છે. જેમાં ભંગાણ સર્જતાં ઠેકઠેકાણેથી પાણીના ફુવારા ઉડી રહ્યા છે. જે અંગે આ વિભાગના એકપણ અધિકારી કે કર્મચારી રીપેરીંગ કાર્યવાહી કરવા આગળ આવ્યા નથી. એક તરફ લોકસભા ચૂંટણીનો માહોલ હોય નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. નોટિફાઇડ, GIDCના અધિકારીઓ ગરમીથી ત્રસ્ત થઈ AC ઓફિસમાં મસ્ત છે. આવી એમની મજાની વચ્ચે પાઇપલાઇનના ભંગાણમાં હજારો લીટર પાણી વેડફાઈ ચૂક્યું છે. કાળઝાળ ગરમીમાં કેટલાય વિસ્તારમાં પાણીના ફાંફા છે એવા સમયે આ પાણી નો દુરુપયોગ લોકોમાં આક્રોશ ઉભો કરી રહ્યો છે. નેતાઓ અને અધિકારીઓની સાથે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી, અન્ય હોદ્દાઓ ધરાવતા હોદ્દેદારો પણ સાહેબની ખુશામત કરવામાં જ રચ્યા પચ્યા હોય વાપી GIDC રામભરોસે છે. જે કદાચ હજુ 7મી મેં સુધી રામ ભરોસે જ રહેશે અને ત્યાં સુધી પાણીની વેડફાટ થશે લોકો ઉદ્યોગકારો પાણી વિના ટળવળતા રહેશે તેમ લાગી રહ્યું છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ