દમણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જંગી જાહેર સભાને સંબોધન કર્યું

દાદરા નગર હવેલી અને દમણના ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા મતદારોને અપીલ કરી

લોકસભા ચૂંટણી 2024માં દાદરા નગર હવેલી અને દમણ-દિવ બેઠકના ભાજપના ઉમેદવારો માટે ગૃહમંત્રી અમિત શાહ દમણ ખાતે ચૂંટણી પ્રચાર માટે આવ્યાં હતા. દમણમાં કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત પ્રચાર સભામાં અમિત શાહે દમણ-દિવ બેઠકના ઉમેદવાર લાલુભાઈ પટેલ અને દાદરા નગર હવેલી બેઠકના ઉમેદવાર કલાબેન ડેલકરને વિજયી બનાવવા અપીલ કરી હતી. અમિત શાહે કોંગ્રેસ પર અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી રાયબરેલી થી પણ આ ચૂંટણી હારવાના છે.

દમણમાં આવેલ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જંગી જાહેર સભાને સંબોધન કર્યું હતું. અમિત શાહે ભાજપના વિકાસની ગાથા રજૂ કરી દાદરા નગર હવેલી અને દમણ દિવ બેઠક પરના ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા ઉપસ્થિત જનમેદનીને અપીલ કરી હતી. દમણ-દિવનો વિકાસ કોંગ્રેસના શાસનમાં નહિ પરંતુ નરેન્દ્ર મોદીના શાસનમાં ભાજપના શાસનમાં થયો હોવાનું જણાવી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં.

લોકસભા ચૂંટણી 2024માં ભાજપે દમણ-દિવમાં 3 ટર્મના સાંસદ લાલુભાઈ પટેલને ચોથીવાર મેદાને ઉતાર્યા છે. દાદરા નગર હવેલીમાં ભાજપે કલાબેન ડેલકરને ટીકીટ આપી મેદાને ઉતાર્યા છે. કલાબેન ડેલકર શિવસેના પાર્ટીના સીટીંગ સાંસદ છે. જેઓ શિવસેના છોડી ભાજપમાં આવ્યા છે. જેઓના ચૂંટણી પ્રચાર માટે આવેલા અમિત શાહે દમણના કોલેજ ગ્રાઉન્ડ પર પોતાનું સંબોધન કરતા પહેલા જય શ્રી રામના નારા લગાવી અહીંના પ્રતિષ્ઠિત મંદિરોમાં બિરાજમાન ભોળાનાથ, જલારામ બાપાને યાદ કર્યા હતાં. જે બાદ આ ચૂંટણીમાં ભાજપના બન્ને ઉમેદવારોને વિજયી બનાવવા 7મી મેં ના મતદાનના દિવસે કમલ પર બટન દબાવી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા અપીલ કરી હતી.અમિત શાહે પોતાના ભાષણમાં દમણ દિવના પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસની રૂપરેખા આપી જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં મતદારો પાસે બે વિકલ્પ છે. જેમાં એક ચાંદીની ચમચી લઈને જન્મેલ રાહુલ ગાંધી છે. બીજો વિકલ્પ ગરીબ ચા વાળાને ઘરે જન્મેલ નરેન્દ્ર મોદી છે. એક દિવાળીમાં પણ રજા રાખવાને બદલે સેનાના જવાનો સાથે દિવાળી મનાવનાર છે. બીજી તરફ ગરમીમાં થાઈલેન્ડ જઇ રજા માણનાર છે. એક તરફ બાર કરોડના ગોટાળા કરનાર કોંગ્રેસ અને INDIA ગઠબંધન છે. બીજી તરફ 25 પૈસાનો પણ જેના પર આરોપ નથી એ નરેન્દ્ર મોદી છે.

અમિત શાહે કોંગ્રેસ પર રિઝર્વેશન મામલે ચાબખા મારી ભાજપ સરકાર ST, SC, OBC ને મજબૂત કરનાર પાર્ટી હોવાનું જણાવ્યું હતું. આ બે છાવણીમાંથી તમારે એક ને ચૂંટવાની છે. દેશમાં બધે જ નરેન્દ્ર મોદીને 400 સીટ સાથે બહુમત અપાવવા જનતાએ નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તો દેશમાં આતંકવાદ, નક્સલવાદ સમાપ્ત થશે દેશ ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે તેવું જણાવતા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી માટે તેમણે જણાવ્યું હતું કે, તેઓ અમેઠીમાં હાર્યા હતા હવે રાયબરેલી માં પણ હારશે. ભાજપે સફળ ચન્દ્રયાનનું લેન્ડિંગ કર્યું છે. પરંતુ સોનિયાજી રાહુલ નામનું યાન 20 વર્ષથી લેન્ડિંગ કરવા મથી રહ્યા છે. પરંતુ તે હજુ સુધી સફળ લેન્ડ થયું નથી. આ વખતે પણ તે ક્રેશ થશે.અમિત શાહે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન પર જીત બાદ વડાપ્રધાન કોણ બનશે તે મામલે આકરા પ્રહાર કરી આ ચૂંટણી માં ભાજપ જીતશે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તેવું જણાવી દાદરા નગર હવેલી અને દમણ દિવ માં બન્ને બેઠક પર ભાજપના ઉમેદવારોને જીત અપાવવા આહવાન કર્યું હતું. દમણ દિવનો વિકાસ કોંગ્રેસના શાસનમાં રૂંધાયો હતો. મોદી સરકારમાં તેનો વિકાસ થયો છે. તેવું જણાવી ભાજપ સરકારે કરેલી વિકાસની ગાથા રજૂ કરી હતી.ઉલ્લેખનીય છે કે, દમણના કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત અમિત શાહની સભામાં દમણ, દિવ અને દાદરા નગર હવેલીના ઉમેદવારો ઉપરાંત ભાજપના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *