સંઘપ્રદેશ દમણના મોટી વાકડ ખાતે કરિયાણાની દુકાન પર ખરીદી કરવા આવેલા ત્રણ શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી વેપારીને ઢોર માર માર્યાનો મામલો સામે આવ્યો છે. દુકાનદારે 52 રૂપિયા બાકી ન રાખતા ઉશ્કેરાયેલા ગ્રાહકો દાદાગીર પર ઉતરી આવ્યા હોવાનું સામે આવ્યું છે. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉધાર માલ આપવાની ના પાડતા માર માર્યો
દમણના મોટી વાકડ ખાતે આવેલી સુભાષભાઈની ચાલીમાં દુકાન ધરાવતા કિશોરભાઈ ઈશ્વરસીંગ દુકાન પર હતા. ત્યારે યાજ્ઞિક ઉર્ફ બાબુ મેહુલ પટેલ, પંકજ પટેલ અને દક્ષેશ દોલત પટેલ નામના ત્રણ શખ્સો દુકાન પર માલસામાન લેવા માટે આવ્યા હતા. ત્રણેય શખ્સોએ 52 રૂપિયાનો સામાન લઈને કિશોરભાઈને પૈસા બાકી રાખવાનું કહ્યું હતું. પરંતુ, કિશોરભાઈએ ઉધાર આપવાની ના પાડતા ત્રણેય શખ્સો ઉશ્કેરાઇ, દુકાનદાર કિશોરભાઇને લાકડી વડે માર માર્યો હો. દુકાનમાં તોડફોડ કરી લુખ્ખાગીરી પર ઉતરી આવ્યાં હતાં. વેપારીએ પોતાનો જીવ બચાવવા ઘટનાસ્થળેથી ભાગી જવું પડ્યું હતું. મારામારીને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ