સંઘ પ્રદેશ દમણમાં શહેરી વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરીનો આરંભ થવા પામ્યો છે. દમણ નગરપાલિકાએ ચોમાસાના આગમન પહેલા શહેરી વિસ્તારોમાં પાણી ભરાવવા અને અન્ય સમસ્યાઓને પહોંચી વળવા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે શહેરી વિસ્તારમાંથી પસાર થતી ગટર લાઈનને સાફ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
નગરપાલિકાના પ્રમુખ અસ્પી દમણીયા દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે કે ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડતા નો સામનો કરવો ન પડે તે પાલિકાની પ્રાથમિકતા છે. જે માટે શહેરી વિસ્તારોમાંથી પસાર થતી ગટર લાઈન, નાળાઓના સફાઈકામ તથા તેના રીપેરીંગ નું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે પાલિકા દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે, તેઓ તેમના રહેણાંક વિસ્તારની આજુબાજુ સ્વચ્છતા રાખે અને ગમે એ જગ્યાએ કચરાનો નિકાલ ન કરે જેથી કરી ને આવો કચરો ગટર અને નાળામાં એકઠો થઈ ચોમાસાની ઋતુમાં મુશ્કેલી પેદા ન થાય એ માટે તકેદારી રાખવા અનુરોધ કર્યો છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ