ગાકુળ ગાયની ગતિએ બનતા રસ્તાથી વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો
સંઘપ્રદેશ દમણમાં એક રોડ બન્યો અને બીજા રોડનું કામ શરુ થતા વાહન ચાલકોએ હાલાકીમાંથી નિજાત મેળવવામાં હજુ ઘણો સમય લાગશે એવું લાગી રહ્યું છે, દમણના તીન બત્તીથી ભેંસલોર કોસ્ટલ હાઈવેને સ્પર્શતો રોડ ઘણા મહિના બાદ હવે બનીને તૈયાર થઇ ગયો છે, અંદાજિત બે કિમીનો રોડ બનાવવા પાછળ 7 થી 8 મહિનાનો સમય લાગ્યો હતો, ગોકળગાયની ગતિએ ચાલેલા રોડના કામને પગલે વાહન ચાલકોએ ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો.
ચૂંટણીમય માહોલની વચ્ચે આ આખો રોડ બનીને તૈયાર થઇ ચુક્યો છે, જે બાદ હવે તંત્ર દ્વારા વર્ષોથી બિસ્માર હાલતમાં પડેલા કોસ્ટલ હાઈવેના નવીનીકરણનું કાર્ય તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે, હાઈવેના નવીનકરણ માટે હાલ આ માર્ગ પર જેસીબી અને બુલડોઝર લગાવી દેવામાં આવ્યા છે, અને ફૂલ સ્પીડમાં રોડનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, આમ પણ સમારકામના અભાવે પાતલિયાથી ભેંસલોર સુધીનો આ આખો રોડ બિસ્માર હાલતમાં જ હતો, રોડ પર ઠેર ઠેર પડેલા ખાડાને કારણે વાહન ચાલકે વાહન ક્યાં હંકારવું તેની ગતાગમ પડતી નહોતી, ઉપરથી દમણ ટાઉનમાં પ્રવેશવા માટે આ જ એક મુખ્ય રોડ હતો, કારણ કે પાતલિયા અને ભીમપોરથી પસાર થતો અને એરપોર્ટને જોડતા રોડ તેમજ કુંતાથી ભેંસલોર સર્કલને જોડતા રોડનું કામ પણ ઘણા મહિનાઓથી ચાલુ હોય ઉદવાડા તરફથી દમણ અવરજવર કરતા લોકોએ ફરજીયાતપણે ખાડા ટેકરા વાળા કોસ્ટલ રોડ પર જ પસંદગીનો કળશ ઢોળવો પડતો હતો, જો કે હાલ આ કોસ્ટલ હાઈવેના નવીનીકરણનું કાર્ય પુરજોશમાં ચાલુ થતા લોકોમાં ભારે આનંદની લાગણી વ્યાપી છે, પરંતુ ચોમાસાને આડે એક જ મહિનો બાકી હોય, અને જે રીતે મન ફાવે ત્યારે કમોસમી વરસાદ કહેર વરસાવી રહ્યો છે, એ જોતા કસમયે શરુ થયેલા કોસ્ટલ હાઈવેના નવીનીકરણનું કાર્ય ચોમાસા સુધીમાં અથવા ચોમાસા બાદ પૂર્ણ ન થયું તો વાહન ચાલકોએ બદથી બદતર સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે, તેવી સ્થિતી લાવીને ઉભી કરી દે તેમાં કોઇ નવાઇની વાત નહીં.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ