વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડામાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકરની આગેવાનીમાં યોજાયેલા આ સમૂહ લગ્ન સમારોહમાં 70 જેટલા નવયુગલો એ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં.
ધોડીપાડા સાંસ્કૃતિક મંડળ દ્વારા દર વર્ષે આ સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજના આ આઠમાં સમૂહ લગ્ન સમારોહમાં ગરીબ, આદિવાસી અને જરૂરિયાતમંદ પરિવારોના દીકરા દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.જોકે વર્તમાન સમયમાં દેખાદેખીમાં લોકો લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી દેતા હોય છે.જેથી લગ્નનો ખર્ચ તે હરિફાઇરુપે સાબિત થયો છે.જેથી ગરીબ પરિવારો લગ્ન પ્રસંગ કરવા માટે વ્યાજે રુપિયા લાવી દેવું કરીને ધામધુમથી લગ્ન કરતાં હોય છે. ત્યારે દાતાઓના સહયોગથી યોજાતા આવા સમૂહ લગ્ન ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ પૂરા થાય છે. ધોડીપાડાના આ સમૂહ લગ્ન સમારોહમાં પણ આ વિસ્તારના ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ છૂટા હાથે દાન આપી લગ્નગ્રંથિમાં જોડાનાર નવદંપત્તિઓને આશીર્વાદની સાથે કરિયાવર પણ આપ્યું હતું.સાથે જ આ સમૂહ લગ્નમાં સરકારની કુંવરબાઈનું મામેરુ અને અન્ય યોજનાઓનો પણ નવદંપતીઓને લાભ અપાવવામાં સહકાર આપ્યો હતો.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ