અધિકારીઓ અને રેલ્વે કર્મચારીઓ ટેક્નિશ્યનની ટીમને લઇ ઘટના સ્થળે મદદે જવા રવાના થયાં
વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશનથી મુંબઈ તરફ જતી એક માલગાડી ટ્રેનના 8 જેટલા ડબ્બા ટ્રેક ઉપરથી ખરી પડવાની ઘટના બની હતી. પાલઘર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર અને અન્ય રેલવે કર્મચારીઓએ વલસાડ અને મુંબઈ રેલવે વિભાગને ઘટનાની જાણ કરી હતી. વલસાડના રેલવેના ARM સહિત ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ થતાં તાત્કાલિક રેલવેની ટેક્નિશ્યન અને અધિકારીઓની ટીમ અને રેલવેના કર્મચારીઓ સાથે એક ઇમરજન્સી ટ્રેન દુર્ઘટના સ્થળે મદદ કરવા રવાના થઈ હતી.
રેલવે વિભાગના ટેક્નિશ્યનો વહેલી તકે ટ્રેક ઉપર પડેલા માલ ગાડીના ડબ્બાઓ દૂર કરી રેલ વ્યવહાર સામાન્ય કરવાનો પ્રયાસ કરશે. પાલઘર ખાતે બનેલી દુર્ઘટનાને લઈને વલસાડથી મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો હતો. અનેક યાત્રીઓ અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર અટવાયા હતા.જોકે કેટલીક માલગાડી ટ્રેનો અધવચ્ચે રેલવે ટ્રેક ઉપર ઉભી કરવી પડી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ