જો તમે કાર, બાઇક કે કોઈ અન્ય વાહન ચલાવતાં હોવ તો ડ્રાઈવિંગ લાઈસન્સ અંગે આ સમાચાર તમારે ચોક્કસ વાંચવા જોઈએ. કારણ કે 1 જૂન 2024થી એટલે કે આજથી ડ્રાઈવિંગ લાઈસન્સ અંગેનો નવો નિયમ લાગુ થયો છે. સમગ્ર દેશભરમાં લાગુ થયેલો આ નિયમ ભરુચમાં લાગુ નહીં પડે તેનું એક ચોક્કસ કારણ સામે આવ્યું છે.
સરકાર દ્વારા આજથી ડ્રાઈવિંગ લાઈસન્સ આપવા માટે લેવામાં આવતા ડ્રાઈવિંગ ટેસ્ટ અંગેના નિયમમાં ફેરફાર કરાયો છે. પહેલા માત્ર આર ટી ઓ કચેરીમાં જ ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવતા હતા. પરંતુ હવે 1 જૂન 2024થી સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત વિશેષ ખાનગી સંસ્થાઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ પણ આપી શકાશે. તેથી જો તમે લાઇસન્સ લેવા માંગતા હો, તો તમે આ નવો વિકલ્પ પસંદ કરી શકો છો. આનાથી લાઇસન્સ પ્રાપ્ત ડ્રાઇવર બનવાની મુસાફરી થોડી સરળ બની શકે છે.
પરંતુ કમનસીબે ભરુચમાં એક પણ સેન્ટર એવું નથી જેને આરટીઓની માન્યતા મળી હોય. આવા ખાનગી ઈન્સ્ટીટ્યુટના અભાવે ભરુચમાં જે રીતે પહેલા આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપવો પડતો હતો, એ જ સિસ્ટમ યથાવત રહેશે. આ અંગે આરટીઓ અધિકારી મિતેશ ભાંગલેને પુછતા તેમણે જણાવ્યુ હતું કે, ભરુચમાં આરટીઓ કચેરી ખાતે જ ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાશે. કેમ કે, ભરુચમાં અન્ય કોઈ પ્રાઈવેટ સેન્ટરને મંજૂરી આપવામાં આવી નથી.
ભરુચથી ગૌતમ ડોડીઆનો રીપોર્ટ