રૂપિયાની લેવડદેવડમાં હથિયારથી ગળું રહેંસી નાંખી હત્યા કરાઇ હતી
વાપી જૂના જકાતનાકા પાસે રેલવે ટ્રેક પાસેથી સોમવારે એક અજાણ્યા યુવકની લાશ ઈજાગ્રસ્ત હાલતમાં મળી હતી. જેનો કબજો મેળવી પોલીસે તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી હતી. તપાસમાં મૃતક વાપી દેસાઇવાડ ખાતે રહેતા હોવાનું બહાર આવ્યું હતું. મૃતક વોર્ડ નં. 7 બૂથમાં ભાજપ પ્રમુખ પણ હતા. રૂપિયાની લેવડદેવડમાં ગળું રહેંસી નાખી હત્યા કરાઇ હોવાનું તપાસમાં ખુલ્યું છે.
વાપી જુના જકાતનાકા પાસે રેલવે ટ્રેક પાસે સર્વિસ રોડ નજીકથી સોમવારે એક યુવકની લાશ દેખાતા સ્થાનિકોએ ટાઉન પોલીસ સ્ટેશનને તેની જાણ કરી હતી. જેથી પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઇ હતી. લાશને જોતા ગળાના ભાગે અને શરીરે ઇજાના નિશાન જોવા મળતા પીએમ માટે મોકલી તેના વાલીવારસની શોધખોળ હાથ ધરાઇ હતી. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ વાપી દેસાઇવાડ ખાતે એકધારા એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 402માં રહેતા 51 વર્ષીય રામબિહારી ભારદ્વાજ તરીકે થઈ હતી. જેથી પોલીસે તેમના પરિજનો તેમજ મિત્ર વર્તુળમાં પૂછપરછની પ્રક્રિયા હાથ ધરી હતી. મૃતક અગાઉ સહારા ઇન્ડિયામાં એજન્ટ તરીકે કામ કરતો હતો. તેની હત્યા રૂપિયાની લેવડદેવડમાં થઇ હોવાનું પોલીસ જણાવી રહી છે. રૂપિયાના વિવાદમાં તીક્ષ્ણ હથિયારથી ગળું રહેંસી આરોપી ફરાર થઇ ગયો હતો. હત્યામાં કેટલા લોકો સામેલ છે તે જાણવા પોલીસે અનેક લોકોની પૂછપરછ હાથ ધરી છે. જોકે પોલીસ આરોપી સુધી પહોંચી પણ ગઇ છે તેમ જાણવા મળી રહ્યું છે. મૃતક રામબિહારી વર્ષ-2011થી બીજેપીમાં કાર્યરત મૃતક રામબિહારી ભારદ્વાજ વર્ષ-2011થી બીજેપી પાર્ટીમાં કાર્યરત હતા. વોર્ડ નં. 7ના સભ્ય દિલીપ યાદવ સાથે વર્ષોથી સામાજિક પ્રવૃત્તિઓ પણ કરતા હતા. તેમના મૃત્યુના કારણે પત્ની સાથે બે દીકરી અને બે દીકરા નિરાધાર બન્યા છે.કેળાના વેપારીની કરતૂતની ચર્ચા મૃતકના મિત્ર વર્તુળમાં ચાલતી ચર્ચા મુજબ વાપી શાકભાજી માર્કેટમાં કેળા વેચતા વેપારી સાથે થોડા દિવસથી વીસીના રૂપિયાને લઇ બંને વચ્ચે બોલાચાલી થતી હતી. જેથી આ વેપારીએ જ તેની હત્યા કરી હશે તેમ મનાઈ રહ્યું છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ