મનુબર ચોક્ડી એસ.આર પ્લાઝાના બિલ્ડર પિતા-પુત્રને બચાવવામાં બૌડાના અધિકારીઓને રસ કેમ ?

બિલ્ડરે બી.યુ સર્ટીફિકેટ વગર જ જીમના માલિકો સાથે ભાડા કરાર કર્યો, જીમ ચાલુ કરનાર ડોક્ટર્સને નિર્માણ પામી રહેલી બિલ્ડીંગમાં પ્રિમિયમ જીમ શરુ કરવાની ઉતાવળ શંકા ઉપજાવે છે !!

ભરુચના મનુબર ચોકડી પાસેનું એસ.આર પ્લાઝા શોપિંગ સેન્ટર વિવાદોમાં આવ્યુ છે. હજુ આ શોપિંગનું કન્ટ્રક્શન કામ ચાલી રહ્યુ છે છતાં ફાયર એનઓસી વગર અહીં ગુજરાતનું સૌથી મોટુ પ્રિમિયમ જીમ શરુ કરી દેવાયુ હતું. આ મામલો સામે આવ્યા બાદ શોપિંગ ઉભું કરનાર બિલ્ડરે કેવા કેવા ખેલ કર્યા છે તેનો પર્દાફાશ થયો છે. સરકારી તંત્ર અને અધિકારીઓને જાણે ગજવામાં લઈને ફરતા હોય તેમ બિલ્ડર પિતા-પુત્ર રફીક અને સંજયે કેટલી હદે પોતાની મનમાની કરી કાયદાની ઐસી-તૈસી કરી છે તે સામે આવ્યુ છે.

આધારભુત સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરુચના મનુબર ચોકડી પર આવેલ સ્ટર્લિંગ પાર્કમાં બિલ્ડર રફીક રાણા અને તેના પુત્ર સંજય રાણાએ શોપિંગ બનાવ્યા છે. જેમાં જમીન આપનાર ઈસ્માઈલ શીતલ પણ ભાગીદાર છે. આ પિતા-પુત્રએ પોતાના પૈસાના જોરે સરકારી નીતિનિયમો અને ધારાધોરણોને નેવે મુકી ગેરકાયદેસર બાંધકામ કર્યુ છે. મનુબર ચોકડી પાસે હાલમાં જેનું બાંધકામ થઈ રહ્યુ છે તે એસ આર પ્લાઝા અને તેની સામે આવેવા સ્ટર્લિંગ પ્લાઝા શોપિંગ સેન્ટરનાં બાધકામમાં બિલ્ડર પિતા – પુત્ર દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરાયુ છે. આ બિલ્ડર પિતા – પુત્રએ નિયમ પ્રમાણે બાંધકામ ન કરી સ્ટર્લિંગ પ્લાઝામાં રહેતા લોકોના બંધારણીય અને સોસાયટીના રહીશ તરીકેના હક પર તરાપ મારી છે.

શોપિંગનું કન્ટ્રક્શન ચાલી રહ્યુ છે. હજુ બિલ્ડરને તંત્ર દ્વારા બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ અપાયુ નથી છતાં ભાડુ ખાવાની લાલચ માં બિલ્ડરે ઓક્ટેન ફિટ સીટીનાં માલિકોને જીમ ચાલુ કરવા મિલકત ભાડે આપી દીધી હતી. દોઢેક મહિનાથી શરુ થયેલા ગુજરાતના સૌથી મોટા અને પ્રિમિયમ જીમને આખરે ફાયર એન ઓ સી અને બી યુ સર્ટિફિકેટ ન હોવાના કારણે નગરપાલિકાના ફાયર વિભાગે સીલ મારી દીધુ છે. પરંતુ ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડર સામે નગરપાલિકા કે બૌડાએ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. આ અંગે બૌડા સહિત જિલ્લા કલેક્ટરને અનેક ફરીયાદો થઈ હોવા છતાં તંત્ર દ્વારા બિલ્ડર પિતા – પુત્ર અને તેમના ભાગીદારોને બચાવવાનો બાલીશ પ્રયાશ થઈ રહ્યો છે. બૌડાના અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સમગ્ર પ્રકરણમાં સામે આવી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, કોઈ પણ ચમરબંધી ને ન છોડવાની ગુલબાંગો ફેંકતા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ભરૂચ જિલ્લાનાં અધિકારઓ સામે લાલ આંખ કરશે કે જે, બિલ્ડરોના હિતમાં કામ કરી રહ્યા છે ?

મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ખોલવાના બદલે ડોક્ટરોએ જીમ કેમ ચાલુ કર્યુ ?

કોરોના કાળ પછી ભરુચના કેટલાક ડોક્ટરોનું ભાગ્ય ચમકી ગયુ છે. કોરોના કાળ પછી કેટલાક ડોક્ટર્સને જાણે લોટરી લાગી હોય તેમ એક પછી બીજી એમ અનેક હોસ્પિટલોમાં ભાગીદારી થઈ રહી છે.ભરુચમાં હવે ભાગીદારી માટે હોસ્પિટલ ખુટી પડી હોય તેમ ડોક્ટર્સ હવે જીમમાં ભાગીદારી કરવા લાગ્યા છે. ભરુચના કેટલાક તબીબો જેમના નામ ડો વસીમ, ડો ઈરફાન,ડો મિનહાજ અને અન્ય એક ડોક્ટર દ્વારા ભરુચમાં ગુજરાતનું સૌથી મોટુ અને પ્રિમિયમ જીમ શરુ કરવામાં આવ્યુ છે. જો આ ડોક્ટર્સ પાસે એટલા જ રુપિયા હોય તો તેઓ પશ્ચિમ વિસ્તારમાં અથવા દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલી શક્યા હોત. પરંતુ કયા કારણસર તેમણે કરોડો રુપિયાના ખર્ચે જીમ બનાવ્યુ અને દોઢ લાખના માસિક ભાડે મિલકત લીધી તે એક વિચારવા જેવી બાબત છે. આ ડોક્ટર્સ સામાન્ય માણસ કરતા વધુ બુદ્વિજીવી હોય છે. તેમને તમામ નિયમોની જાણકારી હોય છે. તેવામાં જે બિલ્ડીંગનું કન્ટ્રકશન ચાલી રહ્યુ છે. જેનું બી યુ સર્ટિફિકેટ નથી તે જાણતા હોવા છતાં તેમણે જીમ શરુ કરવા કેમ ઉતાવળ કરી તે વિચારવા જેવી બાબત છે. આ આખુ પ્રકરણ જોતા ઉપરોક્ત ડોક્ટર્સ જે જે હોસ્પિટલનાં માલિક છે અને જેમાં ભાગીદાર છે ત્યાં ફાયર એન ઓસી મેળવી છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે. સાથે…સાથે વર્ષે 25000 કરતા વધુ ફિ વસુલ કરતું આટલુ પ્રિમિયમ જીમ બનાવવા માટે કોણે કેટલા પૈસાનું રોકાણ કર્યુ છે. તેમનું ક્યાં ક્યાં કેટલુ રોકાણ છે તે દિશામાં આવકવેરા વિભાગ અને જી એસ ટી વિભાગ તપાસ કરે તે ખુબ જરૂરી છે.

ગૌતમ ડોડીઆનો અહેવાલ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 4.1 / 5. Vote count: 13

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *