આજરોજ વાપી નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભાના આયોજન સાથે નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં પ્રમુખ તરીકે પંકજ પટેલ જ્યારે ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈની તરીકે બિન હરીફ વરણી થતાં નગરસેવકોએ અભિનંદન પાઠવ્યા બંને બિનહરીફ ચૂંટાતા નગરપાલિકાના તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/06/Screenshot-2024-06-10-164716-1.png)
આ પ્રસંગે નવનિયુક્ત નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલે તમામનો આભાર માનતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વાપી નગરપાલિકામાં જે કંઈ પણ નાની મોટી સમસ્યાઓ છે તે તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. નગરજનોને પડતી ચોમાસા સમયની હાલાકીને દૂર કરવાના પ્રયાસો કરશે. તો આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા વાપી ભાજપ શહેર પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે વાપી નગરપાલિકામાં ગઈ ટર્મમાં પણ અનેક વિકાસના કામ થયા છે. વાપી નગરપાલિકા રાજ્યના નાણામંત્રી અને પારડી વિધાનસભા ના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના વિધાનસભા વિસ્તારમાં આવે છે. જેમના માર્ગદર્શન હેઠળ વાપીના વિકાસ માટે અનેક વિકાસકીય યોજનાઓ હાથ ધરી છે. જેમાંની મોટાભાગની યોજનાઓ પૂર્ણ થવાના આરે છે. જ્યારે બાકી રહેતી યોજનાઓ પણ વહેલી તકે પૂરી કરવામાં આવશે. પાલિકા હસ્તકના તમામ જે પણ કામો બાકી છે તે કામો પણ અઢી વર્ષના આ કાર્યકાળ દરમિયાન પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો પૂર્ણ કરશે. નગરજનોની સમસ્યાઓનું બનતી ત્વરાએ નિરાકરણ લાવવાના પ્રયાસો કરશે. ભાજપ શહેર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ વિકાસમાં માનતો પક્ષ છે જે દ્રષ્ટિએ વાપી પાલિકા વિસ્તારના તમામ વિકાસના કામો આ અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન પૂર્ણ કરી લેવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વાપી નગરપાલિકા વિસ્તારમાં હાલ ઓવર બ્રિજના કામ ચાલી રહ્યા છે. એ ઉપરાંત રેલવે અન્ડરપાસ ના પણ કામ ચાલી રહ્યા છે. જેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસા દરમિયાન આ સમસ્યા વકરશે તેવી નગરજનોને ભીતિ છે. ત્યારે પાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો નગરજનોને આ સમસ્યા માંથી કેટલી રાહત અપાવે છે તે જોવું રહ્યું.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ