આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં આયુષ મંત્રાલય દ્વારા દેશમાં 100 દિવસ, 100 શહેર અને 100 સંસ્થાનમાં કોસ્ટગાર્ડ એરસ્ટેશન દમણની થઇ પસંદગી
દમણ અને વલસાડના લોકો માટે રવિવારની સવાર બની શુભ સવાર કારણકે રવિવારે દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશનને રન વે પર યોગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌકોઈ ઉપસ્થિત રહી યોગના વિવિધ આસનો કરીને પોતાનું સ્વાસ્થ્ય કેળવ્યું હતું. તેની સાથેસાથ કોસ્ટગાર્ડના પ્લેન હેલિકોપ્ટરને નજીકથી નિહાળવાનો અવસર પણ મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં આયુષ મંત્રાલય દ્વારા દેશમાં 100 દિવસ, 100 શહેર અને 100 સંસ્થાનમાં કોસ્ટગાર્ડ એરસ્ટેશન દમણની પણ પસંદગી કરવામાં આવી છે. તે અંતર્ગત 16મી જૂન 2024ના દમણ એર સ્ટેશન પર યોગ અને ધ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે કોસ્ટ ગાર્ડ દમણના કમાન્ડન્ટ DIG સુદ્ધાંશું વાજપેયીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં દમણ, વાપીના અંદાજીત 4500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતાં. તમામે દમણ એર સ્ટેશન ખાતે નવા બનેલા સેકેંડેરી રન વે પર યોગ કરી સ્વાસ્થ્યની કાળજી લીધી હતી. દમણ એર સ્ટેશન પર હાલ માં નવો રન વે બનાવવામાં આવ્યો છે. આ રન વે પર આગામી દિવસમાં રિજનલ કનેક્ટિવિટી સાથે શિડયુલ સિવિલ ફ્લાઇટ શરૂ થવાની છે. જેની શુભ શરૂઆત પહેલા યોગનો કાર્યક્રમ યોજી શુભ કાર્ય કરવામાં આવ્યું હતુ. આ રન-વેની લંબાઈ 1035 મીટર છે.યોગ માટે વહેલી સવારે 6 વાગ્યે દમણ અને વલસાડ જિલ્લાના યોગ શોખીનો ઉપસ્થિત રહી જેઓએ જણાવ્યું હતું કે, યોગ દરેકના જીવનમાં મહત્વપૂર્ણ છે. દરેકે યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. કોસ્ટ ગાર્ડ દ્વારા કરેલા આયોજનમાં રન વે પર આવીને યોગ કરવાની તક મળી છે. જે યાદગાર સંભારણું બન્યું છે.રન વે પર યોગ કરવા વડીલો સાથે આવેલા યુવાનો, બાળકોએ પણ આ યોગ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ યોગ કર્યા હતાં. જેઓએ આનંદની લાગણી અનુભવતા જણાવ્યું હતું કે, વર્ષોથી અહીં રહીએ છીએ પરંતુ કોસ્ટગાર્ડ ના રન વે પર આવવાની તક મળી નહોતી. પરંતુ આજે યોગના કાર્યક્રમ સાથે આ તક મળી છે. એટલે યોગ કરવા સાથે અહીં કોસ્ટગાર્ડ ના પ્લેન અને હેલિકોપ્ટર નિહાળ્યા તેની સાથે સેલ્ફી લીધી છે. જે તેમના સોશિયલ મીડિયા હેન્ડલના સ્ટેટસ માં મુકશે. આ તક પુરી પાડવા બદલ કોસ્ટ ગાર્ડ દમણનો આભાર માન્યો હતો.આજના યોગ અને ધ્યાન કાર્યક્રમમાં કેવલ્ય ધામ અને આર્ટ ઓફ લિવિંગનો સહયોગ પ્રાપ્ત થયો હતો. જેમાં યોગ બાદ આર્ટ ઓફ લિવિંગનો આનંદ ઉઠાવી મન પ્રફુલ્લિત કરતા નૃત્યની પણ મજા માણી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ