દમણમાં ગઇકાલ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો.જેથી ધીમી ધારે પડી રહેલા વરસાદના કારણે શહેરના રસ્તા પાણીથી ભીંજાઇ જવા પામ્યા હતા. વરસાદી ખુશનુમા વાતાવરણ વચ્ચે સ્કૂલ, કોલેજ તથા નોકરી ધંધાર્થે જતાં લોકો પણ ભીંજાઇને ઋતુના વરસાદને આવકાર્યો હતો.જો કે છેલ્લા ઘણાય સમયથી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો ને આજના દિવસે થોડા થોડા અંતરાલે પડી રહેલા વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળવા પામી હતી.
પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂતો પણ હવે વાવણી લાયક વરસાદ પડવાનું શરૂ થવા જઇ રહ્યું હોઈ એટલે તેઓ પણ ખેતી કાર્યમાં જોતરાઈ જવા પામ્યા હતા. બીજી તરફ વાતાવરણ આહલાદક બની જતા પ્રદેશના મોટી દમણ જામપોર રામસેતુ દરિયા કિનારે તથા નાની દમણ નામોપથ દરિયા કિનારે અમુક પર્યટકો પણ વરસાદની મઝા માણતા પણ જોવા મળ્યા હતા. જો કે હાલ દમણના માર્ગો અને ડ્રેનેજ લાઈનોનું કામ ચાલુ હોય અમુક માર્ગો પર આજે પડેલા પ્રથમ વરસાદના પાણી ડ્રેનેજ લાઈનોમાં ન જતા માર્ગો પર પાણીના ખાબોચિયા ભરાયા હતા, જેને જોઈને આગામી દિવસોમાં જો અનરાધાર વરસાદ ખાબક્યો તો નગરજનોએ ભારે પરેશાની ભોગવવાનો વારો આવશે એવું લાગી રહ્યું છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ