આદિવાસી લોકોની જમીન પર ચાલતા ગેરકાયદેસર ધંધા અને સ્થાનિક રોજગારી મુદ્દે ચૈતર વસાવા મેદાનમાં

આદિવાસી લોકોની 73 એએ વાળી જમીન પર ગેરકાયદેસર પ્રવૃતિ મામલે દેડિયાપાડાનાં ધારાસભ્ય યૈતર વસાવા મેદાને પડ્યા છે. ભરૂચ જિલ્લામાં આદિવાસી પટ્ટા ઉપર શિડયુલ વિસ્તારમાં 73એએની જમીનો પર ગેરકાયદેસર રીતે સ્ટોન,કવોરી-ક્રસર રેતીની લીઝો,રેતીના સ્ટોકના ઢગલાઓ,સિલિકા પ્લાન્ટો ચાલી રહ્યા છે. તેને દુર કરવાની માગ સાથે આજરોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું. ચૈતર વસાવાએ 7 દિવસમાં આદિવાસીઓને તેમની જમીન પરત નહીં મળે તો જનતા રેઈડની ચીમકી ઉચ્ચારી છે. આ ઉપરાંત તેમણે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા ઉપર આકરા પ્રહાર કર્યા હતાં.

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના કાર્યકરોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,ઝઘડીયા, નેત્રંગ, તાલુકો શિડયુલ વિસ્તારમાં આવે છે. અહી 73 એએની જમીનો ટ્રાન્સફરો, NA કે ભાડા પેટે કરીને પચાવી પાડી,ગેરકાયદેસર રીતે સ્ટોન કવોરી,કસરો ચલાવવામાં આવે છે.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની પરવાનગી કે એન્વાયરમેન્ટ ક્લીયરન્સ સર્ટીફીકેટો પણ ન હોવા છતા ગેરકાયદેસર પરવાનગી ની જગ્યા છોડી,સરકારી પડતર ગૌચરો, જંગલની જગ્યાઓ પર ખોદકામ કરવામાં આવે છે.જેના કારણે પાણીના સ્તર ઊંડા જાય છે.ખેતીના પાકો થતા નથી, લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે.જેને તાત્કાલિક અસરથી બંધ કરાવવુ જોઈએ.

આ ઉપરાંત તેમણે ભરૂચ જિલ્લાની જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોની રોજગારીના મુદ્દે પણ લડત શરુ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યુ હતું કે, કંપનીઓની મનમાની નહીં ચાલે. સ્થાનિક લોકોને રોજગારી આપવાનો જે નિયમ છે તેનું પાલન નહીં થાય તો એ મુદ્દે પણ અમે લડત ચલાવીશું. ચૈતર વસાવાએ તંત્રનાં ભ્રષ્ટ અધિકારીઓને પણ નિશાન બનાવ્યા હતાં તેમણે કહ્યુ હતું, ભૂસ્તર, ખાણ-ખનીજ વિભાગ, સ્ટોન કવોરી, ફર્સર, રેતી લીઝ ધારકો પાસેથી મોટી રકમની ઉંઘરાણી કરવામાં આવતી હોવાના કારણે જ બે-રોક ટોક આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ચાલી રહેલા છે.જેમાં સરકાર અને અહીના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂ માફિયાઓના પાપે, નિર્દોષ લોકોએ જીવ ગુમાવે છે.જેથી આવેદનપત્ર આપીને યોગ્ય તપાસ કરી અને જો કાર્યવાહી કરવામાં ન આવે તો, દિન-7 પછી, આ તમામ જગ્યાએ જનતા રેડ કરીને જવાબદાર લોકોને ખૂલ્લા પાડવાના કામ જનતા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

મનસુખભાઈ અને છોટુભાઈ વસાવા બંનેની ખનીજ માફિયાઓ સાથે પાછલા બારણે મીલીભગત – ચૈતર વસાવા

ભરૂચના સાંસદ મનસુખ વસાવા છેલ્લા કેટલાય વર્ષોથી ખનીજ માફિયાઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ પણ ખનીજ માફિયાઓ સામે નિવેદન આપ્યુ છે. તેમણે તો મનસુખ વસાવા ખનિજ માફિયાઓને છાવરી રહ્યા હોવાનો દાવો કર્યો છે. છોટુભાઈના પુત્ર દિલિપ વસાવાએ ગઈકાલે જ આ મુદ્દાઓને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું. આમ આદિવાસી સમાજના રાજકીય આગેવાનોને એક સાથે કેમ આદિવાસી સમાજની ચિંતા થવા લાગી ? તેના સવાલનાં જવાબમાં ચૈતર વસાવાએ જણાવ્યુ હતું કે, “મનસુખભાઇ 30 વર્ષથી સાંસદ, 28 વર્ષથી ભાજપનું શાસન છતાં ખનિજ માફિયા સામે કોઈ કાર્યવાહી કરાવી શક્યા નથી, મનસુખભાઇની આસપાસ ફરનારા લોકો જ ખનીજ માફિયા છે. છોટુભાઈ પણ આટલા વર્ષોથી ધારાસભ્ય હતા તો કેમ કઈ અટકાવ્યું નહિ? હકીકતમાં છોટુભાઈ અને મનસુખભાઇ કોઈ પણ હોય બધા આ ખનિજ માફિયા સાથે પાછલા બારણેથી મળેલાં છે, એમની પણ ગાડીઓ ચાલતી હશે. હવે અમે આ બધું બંધ કરાવીશું તેવું કહ્યું છે.

ભરુચથી ગૌતમ ડોડીઆનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *