વલસાડ જિલ્લા પોલીસે વલસાડ જિલ્લાના 10 પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ મોબાઈલ ચોરાયા ની કે ખોવાયાની ફરિયાદ બાદ તે પૈકીના 65 મોબાઈલ રિકવર કરી તેના મૂળ માલિકને પરત કર્યા
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અને DGP વિકાસ સહાયની સૂચનાથી પોલીસ દ્વારા દરેક જિલ્લામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. જેમાં જે લોકોના મોબાઈલ કે અન્ય ચીજ વસ્તુઓ ચોરાય છે,તે શોધી તેના મૂળ માલિકને પરત કરવામાં પોલીસ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ત્યારે આવા જ એક કાર્યક્રમનું વલસાડ એસપી અને ડીવાયએસપી દ્વારા વાપી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં SOG એ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ચોરાયેલા 65 જેટલાં મોબાઇલને શોધી કાઢી તે તમામ મોબાઇલ તેમના મૂળ માલિકને પરત કર્યા હતા. આ 65 મોબાઈલ ની કુલ કિંમત 10 લાખ જેવી થતી હોવાથી વલસાડ પોલીસ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું.
જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે છ થી આઠ મહિનામાં જિલ્લા ના 10 પોલીસ મથકો માં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ આધારે મોબાઈલ રિકવર કરી તેમના મૂળ માલિકને પરત કર્યા છે. જેમાં વાપી ટાઉન પોલીસ મથકના 15, ભીલાડ પોલીસ મથકમાં 07, વલસાડ સીટી પોલીસ મથકમાં ત્રણ, ડુંગરી પોલીસ મથકના એક, ધરમપુર પોલીસ મથકના બે, વાપી જીઆઇડીસી પોલીસ મથકના 19, વલસાડ રૂરલ પોલીસ મથકના છ, પારડી પોલીસ મથકના ત્રણ, ડુંગરા પોલીસ મથકના છ અને ઉમરગામ પોલીસ મથકના ત્રણ મોબાઈલ મળી કુલ 65 મોબાઈલની ફરિયાદનો સમાવેશ થાય છે.જિલ્લા પોલીસવડાના જણાવ્યા મુજબ ઘણા બધા મોબાઇલ રાજ્યની બહાર પણ લઈ જવામાં આવ્યા હતા. જેને ટ્રેસ કરી ટીમ મોકલી મોબાઇલ રિકવર કરવામાં આવ્યા છે. જે મોબાઈલ ચોરીના ગુના દાખલ કરી તેમાં આરોપીઓની ધરપકડ કરી તેને કસ્ટડીમાં પણ મોકલવામાં આવ્યા છે. રિકવર કરેલા મોબાઈલમાં મોટાભાગના મોબાઇલ તેના મૂળ માલિકોએ મોબાઈલ ખોવાયા હોવાની ફરિયાદ લખાવી હતી.પોલીસે મૂળ માલિકોને પરત કરેલા મોબાઈલ માં જે લોકો શોપિંગ કરવા ગયા હતા, શાકભાજી લેવા ગયા હતા કે બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે પડી ગયા હતા, ભુલાઈ ગયા હતા કે ચોરી થઈ ગયા હતા. જેઓને તેમના મોબાઈલ પરત આપવા સાથે જિલ્લા પોલીસવડાએ તમામને સાયબર ક્રાઈમથી જાગૃત રહેવા તેમજ આસપાસ બનતી ઘટનાઓથી સાવચેત રહી તે અંગે પોલીસને જાણકારી આપવા અપીલ કરી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ