કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪નો ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ સાથે શુભારંભ થયો છે. આ શ્રેણીમાં પંચમહાલ જિલ્લામાં તારીખ ૨૬ થી ૨૮ જૂન દરમિયાન ૨૦૨ રૂટ થકી ૨૬,૬૩૫ ભૂલકાઓને બાલ વાટિકામાં તથા ૭,૩૦૯ વિદ્યાર્થીઓને ધોરણ ૧માં વિવિધ મહાનુભાવો,અધિકારીઓ દ્વારા શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખ,સર્વ ધારાસભ્ય,રાજ્ય સરકારના અધિકારીઓ સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-26-at-1.53.23-PM-1024x682.jpeg)
જિલ્લાના મોરવા હડફ તાલુકાની મોરા પ્રાથમિક શાળા ખાતેથી પંચમહાલ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બાલવાટિકામાં ૩૬ અને ધોરણ ૧માં ૧૧ ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.કલેકટર અને મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી કુમકુમ તિલક સાથે આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થના થકી કરાઈ હતી. શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ના શુભારંભ પ્રસંગે કલેકટર આશિષ કુમારે ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે,નાના ભૂલાકાઓને પાયાનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બને છે જેની શરુઆત ઘર અને આંગણવાડીથી કરાય છે ત્યારે આંગણવાડીમાં બાળકોને પોષણક્ષમ આહાર મળી રહેવો જોઈએ. દરેક બાળકમાં ક્ષમતા રહેલી હોય છે તેને યોગ્ય વાતવરણ મળી રહે તો આવતીકાલ તેના અને સમાજ માટે સોનેરી બને છે.શિક્ષણ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને દરેક બાળક પ્રગતિના પંથે આગળ વધે તેવી શુભેચ્છાઓ જિલ્લા કલેકટરે બાળકોને પાઠવી હતી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-26-at-1.53.26-PM-1024x682.jpeg)
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,શિક્ષણને લઈને રાજ્ય સરકારે ઈન્ફ્રાસ્ટ્રકચર સહિત તમામ ભૌતિક સુવિધાઓ પૂરી પાડી છે.દરેક વાલીને સંબોધીને તેમણે કહ્યું કે,કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ના રહેવું જોઈએ,આ આપણા સૌ કોઈની જવાબદારી છે. તેમણે શાળા પરિવારને માઇક્રો પ્લાનિંગ થકી ગુણવત્તાપૂર્વક શિક્ષણ આપવા સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું.તેમણે સરકારની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે જિલ્લા કલેકટરે એસ.એમ.સી કમિટી અને શાળાના શિક્ષકો સાથે બેઠક યોજીને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન સુધારવા તરફ ભાર મૂક્યો હતો.જેમાં રીડિંગ હેબિટ, ભાષા પર પકડ,પાઠ્યપુસ્તક સાથે વિવિધ પુસ્તકોનું વાંચન,વિદ્યાર્થીઓની એકમ કસોટીની તપાસ,એસ.એમ.સી તથા વાલી મિટિંગ બાબતે ચર્ચા, શાળાના રજીસ્ટર સહિત વિવિધ સુધારાઓ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વખતે વિદ્યાર્થીઓ દ્વારા સેવ વોટર અને વૃક્ષો બચાવો વિષય પર વક્તવ્ય આપ્યું હતું. જિલ્લા કલેકટર અને મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ તથા પૂર્વ આચાર્યનું સન્માન કરી અંતમાં શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ,એસ.એમ.સી કમિટીના સભ્યઓ,આચાર્ય,શાળાના શિક્ષકો સહિત ગામના લોકો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ