સંઘપ્રદેશ દમણના સોમનાથ વિસ્તારમાં રસ્તાની બાજુએ કાચા બાંધવામાં આવેલ એક ઝૂંપડામાંથી પરપ્રાંતિય પુરુષ હત્યાની આશંકા સાથેની લાશ મળવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સોમનાથ મંદિરની આગળના વિસ્તારમાં સદ્દામ સ્વાલેહ ઉં. આશરે 45 વર્ષ રહે. મૂળ સિદ્ધાર્થનગર ઉત્તર પ્રદેશનાઓ ખુલ્લી જમીન પર પ્લાસ્ટિકનું ઝૂંપડી બાંધીને રહેતો હતો. ત્યારે આજરોજ ગુરૂવારના દિવસે સવારે 11 કલાકની આસપાસ તેના ઝૂંપડાં પાસેથી તેની લાશ મળી આવતાં ચકચાર મચી હતી.
બનાવની જાણ પોલીસને થતાં પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક સદ્દામના માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે ગંભીર રીતે વાર કરવામાં આવ્યો હોય એવું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. પોલીસે બનાવ સ્થળની આસપાસ ના વિસ્તાર સહિત અહીં આવેલ કંપનીઓમાં તથા અન્ય લોકોની પૂછપરછ શરૂ કરી છે. હાલ તો પોલીસે મૃતકની લાશ નો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી કરી પોલીસ ચોપડે ગુનો દાખલ કર્યો છે. સાથે મૃતકનું અકસ્માતે મોત થયું છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે એ દિશા તરફ હાલ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ