દમણમાં આખું વર્ષ વિકાસનાં કામ ચાલુ રહ્યાં, છતાંય પૂરું ન થતાં રાહદારીઓ મુકાયા મુશ્કેલીમાં

ચોમાસામાં વિકાસના અધૂરા રહી ગયેલા કામોને કારણે દમણની માઠી બેઠી છે, આખું વર્ષ ચાલેલા વિકાસલક્ષી કામોનો ચોમાસા પહેલા આરો ન આવતા અંતે આખા પ્રદેશની જનતાએ ભોગવવાનો વારો આવ્યો છે, જેમાં દમણના ડાભેલ ચેકપોસ્ટથી સોમનાથ સર્કલ સુધીનો રોડ, સોમનાથ સર્કલથી કચીગામ સર્કલ સુધીનો રોડ, ભેંસલોર સર્કલથી કુંતાને જોડતો રોડ અને તીન બત્તીનો અધૂરો બનેલો માર્ગ ચોમાસામાં વાહન ચાલકો માટે મોટી મુસીબત લઈને આવ્યા છે

આ વર્ષે દમણમાં એક માત્ર ધોબી તળાવથી ભેંસલોર સુધીનો બે કીમીનો રોડ બનાવવામાં આવ્યો છે, એમાં પણ ડ્રેનેજ ચેમ્બરોના કવરો ડામર પાથર્યા વગર જ છોડી દેવાતા આ રોડ પર પણ વાહન ચાલકોએ ખુબ સાવધાનીથી વાહનો ચલાવવા પડે છે, જેથી અધૂરા માર્ગોના પ્રતાપે સૌથી વધુ ભોગવવાનો વારો ડાભેલ, સોમનાથ અને કચીગામ વિસ્તારની જનતાને માથે આવ્યો છે, સોમનાથ સર્કલથી કચીગામ સર્કલ સુધીનો માર્ગ છેલ્લા એક વર્ષથી બની રહ્યો છે છતાં હજુ સુધી આ રોડ બનીને તૈયાર નથી થયો, રોડની જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગેરકાયદે દબાણો હટાવીને એક વર્ષ પહેલા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, આખું વર્ષ વાહન ચાલકો ચોમાસામાં રોડ તૈયાર થઇ જશે એ ઉમ્મીદ સાથે નર્ક જેવા રોડ પરથી પોતાની જાન અને આરોગ્યના જોખમે પસાર થતા રહ્યા, ચોમાસુ આવવા પહેલા કામમાં થોડીક સ્પીડ વધારવામાં આવી પણ હાલ એક સાઈડનો અધૂરો કોન્ક્રીટ માર્ગ બનાવીને એ તરફનો આખો ટ્રેક સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે, જેને પગલે બંને સાઈડ તરફના વાહન ચાલકો એક તરફના ઉબડખાબડ સિંગલ ટ્રેક પર વાહનો ચલાવવા મજબુર બન્યા છે, તો ડાભેલ ચેકપોસ્ટથી સોમનાથ સર્કલ સુધીના એક તરફના માર્ગની હાલત એનાથી પણ બદતર બની છે, આ માર્ગ પર 7 8 મહિના પહેલા પાણીની અને ડ્રેનેજની લાઈન માટે ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું, જે કામ ચોમાસા પહેલા પૂર્ણ ન થતા સિંગલ ટ્રેક પરની આખી પટ્ટી ખરાબ થઇ ગઈ છે, વાહન ચાલકોએ વાપી તરફ જવા માટે માત્ર 6 થી 7 ફૂટની પહોળાઇના ટ્રેક પર જ વાહનો ચલાવવાની નોબત આવી છે, બાકીની આખી પેટ્ટી પર માટી પાથરેલી હોય અને ચોમાસુ પણ શરુ થઇ ગયું હોય આવા સમયમાં વરસાદ ખાબકતા એટલો ભાગ કાદવ કીચડમાં પલટાયો છે, એમ સમજો કે એક તરફના ટ્રેકનો અર્ધો ભાગ કંઈ કામનો જ નથી રહ્યો, ખોદકામને પગલે આ આખો માર્ગ દરરોજ સાંજે અને સવારે ટ્રાફિક જામની સમસ્યાથી ત્રસ્ત રહે છે, એમાં પણ સાંજે 6 વાગ્યા બાદ કંપનીઓમાંથી છૂટતા પગપાળા કામદારોના કારણે બે થી ત્રણ કલાક માટે ટ્રાફિકની રોજિંદી સમસ્યા સર્જાય છે. પાણી અને ડ્રેનેજ લાઈનના કામને પગલે માર્ગ પર જેસીબીની અવરજવર અને ખોદકામ કરાયેલી માટીના ઢગ માર્ગની વચ્ચે જ પાથરી દેવામાં આવતા ચોમાસા પહેલા આ માર્ગ પર ઊડતી ધૂળની ડમરીઓથી વાહન ચાલકો પરેશાન થયા હતા, તો ચોમાસાની શરૂઆતમાં માર્ગ પર ફેલાયેલા કાદવ કીચડ અને ખાડા ખાબોચીયાંથી પરેશાન થઇ રહ્યા છે, તો બીજી તરફ મહિનાઓથી અધૂરા રહી ગયેલા ભેંસલોરથી કુંતાને જોડતા નાનકડા માર્ગની પણ આ જ હાલત છે, ખાટલે મોટી ખોડ એ કે તંત્રએ ચોમાસા પહેલા કોસ્ટલ હાઈવેનું પણ ખોદકામ કરી નાખ્યું, જેનું કામ પણ અધૂરું જ રહી ગયું, તો બીજી તરફ પાતલીયાથી કડૈયા અને દલવાડા થઈને દમણ મશાલ ચોકને સ્પર્શતો માર્ગ પણ પૂરો ન બનતા હાલના સમયમાં મહામુસીબતે દમણમાં પધારેલા વાહન ચાલકને પરત જવા માટે કયા માર્ગનો ઉપયોગ કરવો તેની જ ગતાગમ પડતી નથી, ત્યારે આખા દમણમાં તંત્રના અધૂરા કામના પાપે આખું ચોમાસુ ખખડધજ માર્ગો પર જ વાહનો ચલાવીને પસાર કરવું પડશે તેવી લાગણી હાલ દમણની જાણતા અનુભવી રહી છે, અધૂરા માર્ગોનું કાર્ય જલ્દીથી પૂર્ણ થાય અને જાહેર જનતાને અવરજવર માટે રોજની વેઠવી પડતી મુસીબતોથી છુટકારો મળે તેવી માંગ શહેરીજનોમાં ઉઠી રહી છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *