ચોમાસામાં ભીની જમીનને કારણે અમુક જગ્યાએ વીજ કરંટ પસાર થતા પશુઓ સહીત લોકોને કરંટ લાગવાના અને જાનહાની થવાના બનાવો અનેકવાર બનતા હોય છે, એવામાં આજે દમણના નારાયણ પાર્ક વિસ્તારમાં આવેલી શાલીમાર બિલ્ડિંગની સામે અન્ડરગ્રાઉન્ડ વીજ કેબલનો કરંટ લાગતા એક ગાયનું કરૂણ મોત નીપજ્યું હતું, સમગ્ર ઘટનામાં ટોરેન્ટ પાવરની સદંતર બેદરકારી સામે આવી હતી, અહીં બે મહિના પહેલા સીવરેજ લાઈન માટે ખોદકામ કર્યા બાદ રોડ પર કપચી અને માટી પાથરી દેવામાં આવી હતી, પરંતુ રોડની નીચેથી સીવરેજ લાઈનની સાથે વીજ કેબલ પણ પસાર થતો હોય કે જે જેસીબીથી ખોદકામ દરમ્યાન કોઈક જગ્યાએ બ્રેક થતા તેમાંથી કરંટ પસાર થતો હતો, જેનું ચેકીંગ કરવામાં ન આવતા આજે રોડ પર રખડતી ગાયને કરન્ટ લાગતા તે મોતને ભેંટી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આજથી 10 દિવસ પહેલા આ વિસ્તારમાં એક ઘરના કમ્પાઉન્ડ ગેટમાં પણ વીજ કરંટ પસાર થયો હતો, તે સમયે ટોરેન્ટ પાવરને જાણ કરવામાં આવતા ટોરેન્ટનાં કર્મચારીઓ આવીને સમારકામ કરી ગયા હતા, પરંતુ ટોરેન્ટ કર્મીઓ કરંટનું મૂળ ઉદભવ કેન્દ્ર ન શોધી શકતા અન્ય જગ્યાએ કરંટ પસાર થતો રહ્યો હતો, જેણે આજે એક ગાયનો ભોગ લીધો હતો, ઘટનાની જાણ સ્થાનિક લોકોએ દમણ દીવ સાંસદ ઉમેશ પટેલને કરતા ઉમેશ પટેલ તાત્કાલિક બનાવના સ્થળે દોડી આવ્યા હતા, અને ટોરેન્ટ કર્મીઓની ઝાટકણી કાઢી હતી, ઉમેશ પટેલે જણાવ્યું હતું કે ટોરેન્ટ પાવરની બેદરકારીને કારણે એક ગાય મોતને ભેંટી છે, પરંતુ જો નસીબજોગે અહીંના કોઈ વ્યક્તિ અથવા બાળકને કરંટ લાગ્યો હોત તો શું હાલ થાત, અને જયારે રોડની સીવરેજ લાઈન નાખવામાં આવી રહી હતી ત્યારે શા માટે ટોરેન્ટનાં કર્મચારીઓને કે પીડબ્લ્યુડીના અધિકારીઓ કે કર્મચારીઓને સાથે રાખવામાં ન આવ્યા એવા આક્ષેપ સાથે દમણ પ્રશાસક પર પણ ઉભરો ઠાલવ્યો હતો, તેમણે ઘટનાને ગંભીરતાથી લઈને ટોરેન્ટ પાવરની સાથે દમણના પ્રશાસક પર પણ ફરિયાદ નોંધાવી જોઈએ એવો આક્રોશ ઠાલવ્યો હતો, આ સાથે ઉમેશ પટેલે ટોરેન્ટ કર્મીઓને અહીંથી પસાર થતી આખી વીજલાઇન ખોદીને તેનું ચેકીંગ હાથ ધરીને જૂનો કેબલ ચેન્જ કરીને વીજલાઇન ઠીક કરવા જણાવ્યું હતું કે જેથી, ભવિષ્યમાં આવી જીવલેણ ઘટનાઓ બનતા અટકે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ