વેપારીને આપવા માટે મુકી રાખેલા 5 લાખ રુપિયા ચોરાઇ જતાં દુકાન માલિકની આંખમાં આવ્યાં આસું
સેલવાસ નરોલી રોડ પર આવેલી એક કરિયાણાની દુકાનમાં ગત રાત્રે ત્રાટકેલા બૂકાનીધારી ચોર ઇસમો દુકાનના ગલ્લામાંથી રોકડ 5 લાખ અને સામાન ચોરી ગયાનો બનાવ સામે આવ્યો છે.
સેલવાસ નરોલી રોડ પર શહીદ ચોક નજીક આવેલી વિરલ કોર્પોરેશન નામની હોલ સેલ ડિસ્ટ્રીબ્યુટરની દુકાનમાં પાછળના દરવાજાનો નકૂચો તોડી બે વ્યક્તિ મોઢે માસ્ક બાંધી દુકાનમાં ઘુસ્યાં હતાં. ગલ્લામાં રાખેલા રોકડ 5 લાખ અને દુકાનમાંથી કેટલોક સામાન ચોરી ફરાર થઇ ગયા હતા.સવારે જયારે દુકાન માલિકે દુકાન ખોલીને જોતા ગલ્લો બહાર પડેલો દેખાયો અને સામાન વેર વિખેર જોતા આશ્ચર્યમાં મુકાઇ ગયાં હતાં. તેમણે જે ગલ્લામાં રોકડા 5 લાખ વેપારીને આપવા માટે રાખ્યા હતા તે ચોરી થઇ ગયા હોવાનું જણાયું હતું, જેથી તાત્કાલિક સેલવાસ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસની ટીમ આવી તપાસ કરતા સીસીટીવીમાં બે વ્યક્તિ મોઢે રૂમાલ બાંધેલ જોવા મળ્યા હતા. જેથી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ