વાપીમાં વર્ષો બાદ જોવા મળ્યો સફેદ વાઇપર અને સફેદ કોબ્રા દુર્લભ સાપ

રસેલ વાઈપર સાપના બચ્ચાનું સ્થાનિક ઇમરજન્સી ટીમે રેસ્ક્યુ કરી વાપી વનવિભાગને સુપ્રત કર્યો

વાપી :- સામાન્ય રીતે આપણી આસપાસ અનેક પ્રકારના સાપ જોવા મળે છે. પરંતુ એ તમામ સાપ માં સફેદ વાઈપર અને સફેદ કોબ્રા દુર્લભ સાપ છે. વાપીમાં વર્ષો બાદ પ્રથમ વખત આવો સફેદ સાપ મળી આવ્યો છે.જેમ માનવીમાં કેટલાક વિટામિનની ઉણપ હોય તો તે માનવીનું શરીર એકદમ સફેદ થઈ જાય છે. સામાન્ય રીતે તેના માટે પ્રચલિત શબ્દ કોઢ છે. જે શરીરમાં પીંગમેન્ટ્સની ઉણપને કારણે થાય છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે, આ કોઢ પશુ પંખીઓને સરીસૃપોને પણ થાય છે. જેને અલબીનો ડીસીઝ કહેવાય છે.વાપીમાં વર્ષો બાદ આ અલબીનો રોગનો ભોગ બનેલ એક રસેલ વાઈપર સાપના બચ્ચાનું સ્થાનિક ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમે રેસ્ક્યુ કરી વાપી વનવિભાગને સુપ્રત કર્યો છે.

સફેદ રસેલ વાઈપર સાપના બચ્ચાનું રેસ્ક્યુ કરનાર સ્થાનિક ઇમર્જન્સી રેસ્ક્યુ ફોર્સ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમના રેસ્ક્યુ કમાન્ડન્ટ મુકેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ એવો સાપ એટલે કે વાઈપર છે જે અલ્બીનો છે. અલ્બીનો એક રોગ છે. જેના શરીરમાં પિગ્મેન્ટ્સની ઉણપ હોય એ માણસ કે પશુ પંખીનું શરીર સફેદ રંગનું જોવા મળે છે.સફેદ કલરનો વાઈપર પણ અન્ય વાઈપર જેવો જ છે. જે ખૂબ જ દુલર્ભ છે. જેનું મળી આવવું એ Rarest of the rare cases સમાન છે.રેસલ વાઈપર ની કેટલીક ખાસિયતો પૈકી વાત કરીએ તો, તે પાંચ ફૂટની લંબાઈ ધરાવતો હોય છે. પકડાયેલ સફેદ સાપ માદા વાઈપરનું બચ્ચું છે. વાઈપર સાપ ઈંડામાંથી બચ્ચા સ્વરૂપે જન્મતા નથી. માદા વાઈપર સીધા બચ્ચા આપે છે. જેની સંખ્યા ક્યારેક 50 થી 100 જેટલી હોય છે. જન્મથી તે ઝેર અને દાંત ધરાવે છે. સફેદ કલરના આ સાપની આંખો લાલ કલરની હોય છે.આ વાઈપરના કરડવાથી કિડની ફેઈલ થવા ઉપરાંત, યુરિનમાં બ્લડ નીકળવું, ઉલ્ટી થવા જેવી અસર ઉત્પન્ન થાય છે. વહેલી તકે તેને હોસ્પિટલમાં સારવાર મળે તો જ તે વ્યક્તિ બચી શકે છે. ચોમાસાની સીઝનમાં ખેતી કામ કરતા અનેક લોકો તેનો શિકાર બને છે. અને ક્યારેક સારવાર માં મોડું થવાથી મૃત્યુના બનાવો પણ બને છે

માત્ર 2 દિવસ આસપાસના આ વાઇપરને રેસ્ક્યુ કરવા ગયેલી ટીમે એકાદ કલાકની જહેમત બાદ તેને રેસ્ક્યુ કર્યો હતો. આ સફેદ સાપ અંગે વાપી વન વિભાગના રેન્જ ફોરેસ્ટર મિતુલ પટેલે જણાવ્યું હતું કે વાપી માં તેમના કાર્યકાળ દરમ્યાન જ ઇમર્જન્સી રેસ્ક્યુ ફોર્સ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમે અંદાજીત 1800 જેટલા વિવિધ પ્રજાતિના સાપ નું રેસ્ક્યુ કર્યું છે. અસંખ્ય પશુ, પક્ષીઓને બચાવ્યા છે. તેઓએ આ દુર્લભ સફેદ વાઈપરનું રેસ્ક્યુ કર્યું છે. એ પહેલાં સફેદ નાગનું પણ રેસ્ક્યુ કર્યું હતું. આ દુલર્ભ ખડચિતરા સાપનું રેસ્ક્યુ કરી તેને વન વિભાગને સુપ્રત કર્યો છે. જેને વનવિભાગની ટીમ સુરક્ષિત સ્થાન પર છોડશે. આ સફેદ વાઈપર વલસાડ જિલ્લામાં કદાચ પ્રથમ વખત જોવા મળ્યો અને તે પણ સ્વસ્થ હાલતમાં છે. પરતું તે અલબીનો ડીસીઝનો શિકાર બન્યો હોય સફેદ રંગનો છે. રેસ્ક્યુ ટીમનું માનીએ આવા સફેદ રંગના સાપ પ્રત્યે લોકોમાં અનેક અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે. એટલે આવો સાપ જ્યારે પણ જોવા મળે છે ત્યારે લોકો તેની પૂજા કરે છે તેને દૂધ પીવડાવે છે. જો કે હકીકતે આવા સાપ જોવા મળે તો તેઓ વ્યવહાર ક્યારેય કરવો જોઈએ નહીં. આ સાપમાં પણ અન્ય વાઈપર સાપ જેટલું જ ઝેર હોય છે. ન્યુરોટોક્સિન નામનું આ ઝેર ધરાવતો સાપ માણસને કરડે ત્યારે કોઈ પણ અંધશ્રદ્ધાળું ઉપાયો કરવાને બદલે નજીકની હોસ્પિટલમાં સારવાર કરાવવી હિતાવહ છે.

ઉલ્લેખનીય છે કે, પારડી-વાપી વનવિભાગ વિસ્તારમાં ચોમાસા દરમ્યાન અનેક પ્રકારના ઝેરી-બિન ઝેરી સાપ જોવા મળે છે. જેનું વનવિભાગ અને NGO દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે. જે બાદ તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવામાં આવે છે. આ સફેદ રંગના અને અલબીનો ડીસીઝ ધરાવતા અલબીનો રસેલ વાઇપરને પણ સુરક્ષિત વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.સ્વપ્ન શાસ્ત્રમાં જણાવ્યા મુજબ સફેદ રંગનો સાપ સપનામાં જોવા મળે અથવા સપનામાં કરડતો દેખાય તો ધનલાભ થવાની શકયતા માનવામાં આવે છે. પરંતુ, જાગૃત અવસ્થામાં આવો દુલર્ભ સાપ જોવા મળે તો તેનાથી બચવું હિતાવહ છે. અને બચશો તો જ ધનલાભ થશે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *