નફ્ફટ હાઇવે ઓથોરિટી અને મહદઅંશે PWDના પાપે બલિઠા નજીક હાઇવે પર પડેલા ખાડા અને તેમાં ભરેલા વરસાદી પાણીના કારણે શુક્રવારે 2 વ્યક્તિઓનો જીવ ગયો હતો. તો, આ અકસ્માત અને વરસાદી પાણીના કવરેજ માટે ગયેલ રિજનલ ચેનલના પત્રકાર ને ટેમ્પો ચાલકે ટક્કર મારતા તે પણ ઘાયલ થયા હતાં. જેને હોસ્પિટલમાં સારવાર કરાવવાની નોબત આવી છે. વાપી નજીક પસાર થતા હાઇવે નંબર 48 પર શુક્રવારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક દંપતીનું મોત નિપજતા અરેરાટી ફેલાઈ હતી. ઘટના અંગે મળતી વિગતો મુજબ શુક્રવારે વરસતા વરસાદને કારણે બલિઠા નજીક હાઇવે પર પાણી ભરાયા હતાં. જેને કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અરસામાં મૂળ ટુકવાડા ના રહેવાસી એવા ભગુભાઇ નાયકા તેમની GJ-15-AS 3448 નંબરની બાઇક પર પત્ની શકુન્તલાબેન નાયકાને બેસાડી વાપી તરફથી પરત પોતાના ગામ ટુકવાડા જતા હતાં. ત્યારે, એક ડમ્પર ચાલકે તેઓની બાઇકને પાછળથી ટક્કર મારી હતી.જેમાં પતિ પત્ની બંનેને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ બન્નેના મોત નિપજ્યા હતાં.
ઘટના દરમ્યાન ડમ્પર ચાલક ટ્રક મુકી નાસી ગયો હતો. ઘટનાની જાણકારી વાપી ટાઉન પોલીસને મળતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ અકસ્માતની ઘટના વાયુવેગે પ્રસરતા વાપીના મીડિયાકર્મીઓ તેનું કવરેજ કરવા ગયા હતાં. જેમાં વાપીમાં રહેતા રિઝનલ ચેનલના પત્રકાર પણ પહોંચ્યા હતાં. આ પત્રકાર હાઇવે પર નઘરોળ હાઇવે ઓથોરિટીના પાપે ભરાયેલ વરસાદી પાણી અને માર્ગ પર પડેલા મસમોટા ખાડાઓને કારણે સર્જાયેલ અકસ્માત નું તેમજ ટ્રાફિક જામનું કવરેજ કરી રહ્યા હતાં. ત્યારે, પુરઝડપે આવેલા ટેમ્પો ચાલકે તેને અડફેટે લીધા હતાં. અકસ્માતમાં ચેનલના પત્રકારને છાતી, માથાના ભાગે અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.
ઘાયલ પત્રકાર ને તાત્કાલિક સારવાર માટે પ્રયાસો હાથ ધરાયા હતાં. જો કે હાઈવે પર ટ્રાફિક જામ હોય મહામહેનતે અન્ય પત્રકારોની મદદથી નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતાં. જ્યાં તબીબોએ તેની સારવાર કરી હતી. આ અકસ્માતમાં પત્રકારને છાતીના ભાગે વાગવાથી 3 પાંસળીમાં માઇનોર ક્રેક આવી છે. માથાના ભાગે ત્રણ ટાંકા આવ્યા છે. પરંતુ, સદનસીબે તેઓ બચી જતા જરૂરી સારવાર બાદ બેડરેસ્ટ માટે ઘરે રવાના કર્યા હતાં.નેશનલ હાઈવે નંબર 48 પર બલિઠા નજીક હાલમાં જ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ રેલવે ઓવરબ્રિજની ડિઝાઇન એવી બનાવી છે કે, જેના કારણે હાઇવે પરના વરસાદી પાણીનો નિકાલ થતો નથી.
ઉલ્લેખનીય છે કે, આ સમસ્યા અંગે અનેક વખત મીડિયામાં આવ્યા બાદ પણ હાઇવે ઓથોરિટી અને PWD તેનું નિવારણ કરતું નથી. બંને વચ્ચેના સંકલનના અભાવે સમસ્યા એટલી વિકરાળ બની છે કે, હવે હાઇવે પરના ખાડાઓ અને તેમાં ભરાયેલ વરસાદી પાણી ટ્રાફિક જામ કરાવી વાહનચાલકો ના જીવ લઈ રહ્યા છે. જો તંત્ર હજુ પણ નહીં જાગે તો અહીં આવનારા દિવસોમાં વધુ જાનમાલનું નુકસાન કરતા અકસ્માતો બનતા રહેશે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ