સંઘપ્રદેશ દમણમાં છેલ્લા ત્રણ દિવસથી ખાબકેલા ભારે વરસાદમાં જનજીવન અસ્તવ્યસ્ત

સંઘપ્રદેશ દમણમાં છેલ્લા ત્રણ દિવસથી ખાબકેલા ભારે વરસાદમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, ગઈ કાલે દમણના ખારીવાડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયા બાદ તંત્રએ કોઈ કાર્યવાહી હાથ ન ધરતા આજે અહીંના સ્થાનિક લોકોએ તંત્રની નિષ્ક્રિયતાનું પરિણામ ભોગવવાનો વારો આવ્યો હતો.

દમણના ખારીવાડ સહીત, પોસ્ટ ઓફિસ વિસ્તાર, માછી મહાજન સ્કૂલ, સત્યનારાયણ મંદિર, દમણ ટાઉન, દુણેઠા વિસ્તાર, દેવકા રોડ, આઈસ ફેક્ટરી તરફનો વિસ્તાર સહીત અમુક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ઠેરઠેર પ્લાન વગર તાણી બંધાયેલી બિલ્ડીંગો અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે અમુક વિસ્તારોમાં વરસાદી પાણીને વહેવા માટે રસ્તો ન મળતા આ પાણી બિલ્ડીંગોના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોમાં ઘુસી ગયા હતા, જેને પગલે લોકોએ ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ભારે વરસાદને પગલે રાહદારીઓ અને વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર ત્રણ દિવસ ખાબકેલા અનરાધાર વરસાદે તંત્રની અણધડ નીતિ અને પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ આખો વિસ્તાર પાણીમાં લબાલબ છે, લોકોના જાનમાલની હાનિ થઇ રહી છે, આવી હાલતમાં પણ અહીંના કાઉન્સિલર તેઓની ખબર કાઢવા સુધા નથી આવ્યા, જો કે આજે સ્થાનિક લોકોએ પાલિકા પ્રમુખને આ બાબતે જાણ કરતા પાલિકા પ્રમુખ અસ્પી દમણિયા તાત્કાલિક તેમની ટીમ સાથે ખારીવાડ વિસ્તારમાં પહોંચી ગયા હતા, અને કર્મચારીઓ સાથે મોટર મારફતે વરસાદી પાણીના નિકાલની કાર્યવાહી હાથ ધરી હતી, અરબ સાગર પરથી સરકીને એક સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ દક્ષિણ ગુજરાત આવી રહી છે, જેના પગલે આગામી 24 કલાકની અંદર સુરત, ડાંગ , તાપી , નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે.ત્યારે આગામી તા.17મી જુલાઈ સુધીમાં રાજયમાં વિવિધ ભાગોમાં ભારે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે ચેતવણી આપી છે, જેના પગલે ચોમાસુ સિસ્ટમ સક્રિય થવા સાથે તેજ બનશે તેવી બીક રહેલી છે, ત્યારે પ્રશાસન સતર્ક બનીને જેટલાં પણ વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે, તે વિસ્તારોમાં તાત્કાલિક પાણી નિકાલની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *