વાપી GIDCમાં છેલ્લા ઘણા સમયથી પેપરમિલોનો ભીનો સ્લજ સગેવગે કરવાનો કારોબાર ચાલી રહ્યો છે. આ કારોબારમાં વાપીના એક ખાસ ઇસમના ઈશારે બે ભાઈઓ મોટેપાયે સંકળાયેલ છે. વાપીની અલગ અલગ પેપરમિલોમાંથી આ સ્લજ ભરાવી તેંને સિમેન્ટ ફેક્ટરીઓમાં ટ્રક મારફતે મોકલવા સાથે કેટલોક તદ્દન વેસ્ટ આસપાસની જમીનમાં ઠાલવી પર્યાવરણને પ્રદુષિત કરી રહ્યા છે. ટ્રકમાં સ્લજ પાણી નીતરતો જ ભરવામાં આવે છે. પહેલા GIDCમાંથી આવી એકલ દોકલ ટ્રક નીકળતી હતી. પરંતુ હવે એક સાથે ત્રણ થી વધુ ટ્રક-ડમ્પર નીકળી રહ્યા છે. જે જોતા કહી શકાય કે, વાપી GIDCમાં GPCB, કંપની સંચાલકોની મીઠી નજર હેઠળ પેપરમિલોમાંથી પાણી નીતરતા સ્લજને સગેસગે કરવાનો કારોબાર વધ્યો છે.
ટ્રકમાં ઠસોઠસ ભરેલ આ નોન રિસાયકલ વેસ્ટનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર સતત પડતું રહે છે. જેનાથી રસ્તાઓ ખરાબ થવા સાથે વાહન ચાલકોના વાહનોને ગંદા કરે છે. કેટલાક વાહનના કાચ પર ગંદા પાણીના છાંટાથી ખરાબ થઈ રહ્યા છે. દ્વિચક્રી વાહન ચાલકો, રાહદારીઓને પણ આ ગંદા પાણીના છાંટા ઉડતા હોય અકસ્માત જેવા બનાવો બની રહ્યા છે.આવું જ દ્રશ્ય ફરી એકવાર વાપી GIDCમાં 3rd ફેઈઝમાં આવેલ એક પેપરમિલના મુખ્ય ગેટ સામેના મુખ્ય રોડ પર જોવા મળ્યા હતાં. જેમાં ડમ્પર, ટ્રક નંબર DN09-R-9989, GJ15-AY-5524, GJ16-B-3603માં ભરેલા નોન રિસાયકલ વેસ્ટનું પાણી રસ્તા પર જ ઢોળાતું હતું. જેને લઈ લોકોને અનેક મુશ્કેલી પડતી હોય એ અંગે આસપાસના લોકો દ્વારા કંપની સંચાલકોને રજુઆત પણ કરવામાં આવે છે. તેમ છતાં માત્ર પોતાનું ભલું કરવામાં રચ્યાં રહેતા સંચાલકો તેમજ GPCBના અધિકારીઓ આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું લોકોનું કહેવું છે.
સુત્રોનું માનીએ તો, આ ભીંના સ્લજ ને ટ્રકમાં ભરી પાણી નીતરતી હાલતમાં રસ્તા પર લઈ જવામાં સંચાલકો અને GPCBના અધિકારીઓની રહેમ નજર પણ આ ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિઓ પર રાખવામાં આવે છે. એટલે હવે આ બદી દિનબદીન વધતી રહી છે. હવે એક ઇસમના ઈશારે આ કારોબાર વધુ ફુલ્યો છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો કદાચ એકાદ દિવસ મોટો અકસ્માત નોતરીને રહેશે. એ ઉપરાંત સ્વાસ્થ્યને લગતી ગંભીર બીમારીઓના ભરડામાં લોકોને ભેરવશે.વાપી-સરીગામની પેપરમિલ-કેમિકલ ફેક્ટરીમાંથી દરરોજ મોટાપાયે હેઝર્ડ, નોનહેઝર્ડ પ્રકારનો નોન રિસાયકેબલ પ્રોસેસ વેસ્ટ નીકળે છે. આ વેસ્ટ મોટેભાગે સિમેન્ટ ફેક્ટરીઓમાં તેમજ અન્ય નિકાલની સાઇટ પર મોકલવામાં આવે છે. પરંતુ ભીના વેસ્ટને મોકલી શકતા નથી. તેમ છતાં આ વેસ્ટની હેરાફેરી કરનારા GPCBના નિયમોને ઓગાળીને પી જવામાં જરા પણ નાનપણ અનુભવતા નથી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ