યુપીએલ ગ્રુપની પહેલ યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ના સ્પેસ એપ્લિકેશન સેન્ટરે (એસએસી) કેમિકલ સાયન્સિસમાં સંશોધન અને નવીનતાને આગળ વધારવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ સહયોગ એ શૈક્ષણિક શ્રેષ્ઠતા વધારવા અને વૈશ્વિક ઓળખને પ્રોત્સાહન આપવા માટે યુપીએલની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે.
આ ભાગીદારી મટિરિયલ સાયન્સ અને સંબંધિત ક્ષેત્રોમાં કેમિકલ એપ્લિકેશન્સમાં સંશોધનમાં ક્રાંતિ લાવવા માટે કરવામાં આવી છે. તે ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને અદ્યતન સંશોધન સુવિધાઓ, વિશિષ્ટ કુશળતા અને અમૂલ્ય ડેટા સંસાધનોની એક્સેસ પ્રદાન કરશે અને સંશોધનને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
આ ભાગીદારી અંગે ઈસરોના એસએસી ડિરેક્ટર ડો. નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે “યુપીએલ યુનિવર્સિટી સાથેનો અમારો સહયોગ વૈજ્ઞાનિક સંશોધન અને ટેક્નોલોજીને આગળ વધારવામાં શૈક્ષણિક ભાગીદારીના મહત્વ પર ભાર મૂકે છે. અમે આ ભાગીદારીમાંથી ઉભરી આવનારી અભૂતપૂર્વ શોધ અંગે ઉત્સાહિત છીએ.”આ સિદ્ધિ વિશે યુપીએલ ગ્રૂપના વાઇસ-ચેરમેન અને કો-સીઇઓ શ્રી વિક્રમ શ્રોફે જણાવ્યું હતું કે “યુપીએલ યુનિવર્સિટીની ઈસરો સાથેની ભાગીદારી એ સંશોધન અને વિકાસની સંસ્કૃતિને ઉત્તેજન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે જે શૈક્ષણિક સમુદાય અને ઉદ્યોગ બંનેને લાભ કરશે. 170થી વધુ સક્રિય એમઓયુ અને ભાગીદારી સાથે, જેમાં લેન્ક્સેસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, લુપિન લિમિટેડ, સિમેન્સ લિમિટેડ અને કલરટેક્સ ઈન્ડ. પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે, અમે વાસ્તવિક વિશ્વના પડકારોનું સમાધાન લાવીએ છીએ.”યુપીએલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અશોક પંજવાણીએ જણાવ્યું હતું કે “અમે ઈસરો સાથે સહયોગ કરવા માટે ઉત્સાહિત છીએ, જે નવીનતા અને સંશોધનમાં ઉત્કૃષ્ટતા લાવવાના અમારા મિશન સાથે સંપૂર્ણ રીતે જોડાયેલું છે. આ ભાગીદારી અમારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને અદ્યતન સંશોધનમાં જોડાવા માટે અનન્ય તકો પ્રદાન કરશે. આ સાથે યુપીએલ યુનિવર્સિટી નવી ભાગીદારી અને સહયોગ બનાવવા માટે સમર્પિત છે જે શૈક્ષણિક શ્રેષ્ઠતા, સંશોધન નવીનતા અને સામાજિક પ્રભાવમાં અગ્રણી તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત કરશે.”
આંતરરાષ્ટ્રીય મોરચે ગેક્સકોન (નોર્વે સ્થિત) જેવી સંસ્થાઓ સાથેની ભાગીદારી કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં સલામતી ધોરણોને આગળ વધારવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. પ્લાન્ટ ઓપરેશનમાં સર્ટિફિકેશન કોર્સીસ અને પર્યાવરણીય અનુપાલન અને ટકાઉપણું, ઇન્સ્ટ્રુમેન્ટેશન, ઓટોમેશન, રોબોટિક્સ, પ્રોસેસ સેફ્ટી અને પાઇપિંગ એન્જિનિયરિંગમાં પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ આ ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થા વચ્ચેના આ મજબૂત સહયોગ દ્વારા નોંધપાત્ર રીતે સમૃદ્ધ થયા છે.પ્રાદેશિક રીતે, ગાંધીનગરમાં ગુજરાત ક્લીનર પ્રોડક્શન સેન્ટર (જીસીપીસી) અને ગુજરાત એન્વાયર્મેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (જીઈએમઆઈ) જેવી સંસ્થાઓ સાથેના સહયોગથી યુપીએલની ટકાઉ વિકાસ અને પર્યાવરણીય તકેદારી અંગેની પ્રતિબદ્ધતા રજૂ થાય છે. આ ભાગીદારીથી સહયોગી સંશોધન પ્રોજેક્ટ્સ, તાલીમ કાર્યક્રમો, અને જ્ઞાન વિનિમય પહેલ હાથ ધરાય છે જે સ્થાનિક પર્યાવરણીય પડકારોને સંબોધિત કરે છે અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપે છે.
ભરુચથી ગૌતમ ડોડીઆનો રીપોર્ટ