દમણના નાની દમણ રાણા સ્ટ્રીટમાં આવેલ ઈશ્વરકૃપા બિલ્ડિંગના પાર્કિગમાં મોડી રાતે 1 વાગ્યાના અરસામાં પાર્કિગમાં પાર્ક કરેલી 6 જેટલી મોટર સાયકલ પર આજ બિલ્ડિંગમાં રહેતા એક યુવાને પેટ્રોલ ટાંકીના પાઇપમાં આગ લગાવી દીધી હતી. આગ લાગતાંની સાથે જ પેટ્રોલ ટાંકીમાં મોટો બ્લાસ્ટ થતાં બિલ્ડિંગના અને આસપાસના રહીશો પોતાના ઘરની બહાર દોડી આવી, પાર્કિગમાં જોતા બધી બાઇકો ભડભડ બળવા લાગી હતી.
આ પ્રમાણે આગ લાગતાં બિલ્ડિંગના રહીશોએ બિલ્ડિંગની મુખ્ય ઇલેક્ટ્રિક લાઈનને બંધ કરી બાઇકમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે ઘટનાની જાણ દમણ ફાયર વિભાગને પણ કરી હતી. આ તરફ રહીશોએ બિલ્ડિંગના પાર્કિગમાં પાર્ક કરેલા અન્ય વાહનોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી કરી હતી. જેમાં અમુક મોપેડના પ્લાસ્ટિકના ભાગ બળી જવા પામ્યા હતા. આ પ્રમાણે બિલ્ડિંગના પાર્કિગમાં વાહનોમાં લાગેલી આગને પગલે દમણ ફાયર વિભાગની એક ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી, 6 જેટલા વાહનોમાં પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાની કામગીરી કરી હતી. બનાવ અંગેની જાણકારી રહીશો દ્વારા નાની દમણ પોલીસને પણ કરતા પોલીસની એક ટીમ પણ જગ્યા સ્થળ પર પહોંચી હતી. ત્યારે પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ 6 બાઈકની અંદર આગ લગાડવાનું કાર્ય બિલ્ડિંગમાં જ રહેતા એક 17 વર્ષીય યુવાને કર્યું હોવાનું ખુલ્યું હતું. આ પાછળનું કારણ છેલ્લા ઘણાં સમયથી પાર્કિગમાં જગ્યા બાબતે બિલ્ડિંગના અન્ય રહીશો સાથે ચાલી રહેલ મગજમારીને કારણે કર્યું હોવાનું યુવાને પોલીસને જણાવ્યું હતું. ત્યારે હાલ તો પોલીસે યુવાનની અટક કરી પોલીસ ચોપડે ગુનો દાખલ કરી આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ