વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે ભારે વરસાદની વચ્ચે મોજ માણવા ગયેલા યુવકો પર પરેશાની આવી. આ યુવકોમાં 19 વર્ષનો આકાશ યાદવ પણ શામેલ હતો. તેઓ દરિયાના પ્રવાહમાં મોજ માણી રહ્યા હતા ત્યારે અચાનક આકાશ તણાયો ગયો. બાકીના ત્રણ યુવકોને બચાવી લેવામાં સફળતા મળી, પરંતુ આકાશનું બચાવ શક્ય ન રહ્યું.
ઘટનાની જાણ થતા ઉમરગામ ફાયર ટીમ, ઉમરગામ પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે તરત પહોંચી ગયા અને બચાવ કાર્ય હાથ ધર્યું. જો કે, દરિયાના ભારે કરંટ વચ્ચે આકાશનું બચાવ શક્ય ન થયું. અનેક પ્રયત્નો છતાં પણ આકાશને બહાર ખેંચી શકાયો નહીં અને તે દરિયામાં ગરકાવ થઇ ગયો.આકાશ યાદવ મૂળ યુપીનો વતની હતો અને અત્યારે તે પોતાના ઘરે ફરવા આવ્યો હતો. યુવાનનો દરિયામાં તણાઇ જવાને કારણે સમગ્ર ઉમરગામ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ દુઃખદ ઘટનાને કારણે આકાશના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે. પોલીસે મૃતદેહ શોધવા માટે દરિયામાં શોધખોળ ચાલુ રાખી છે.આ ઘટના બાદ સ્થાનિક પ્રશાસને લોકો માટે દરિયામાં મોજ કરવાની બાબતે ચેતવણી આપી છે. ખાસ કરીને ભારે વરસાદ દરમિયાન દરિયામાં ન જવા તથા સુરક્ષા નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ