આમ આદમી પાર્ટીને મજબુત બનાવવા પ્રદેશ કક્ષાના નેતાઓએ ગોધરા ખાતે મિટિંગ યોજી

પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી, રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલીયા, દક્ષિણ ઝોનના કાર્યકારી પ્રમુખ ચૈતરભાઇ વસાવાએ હાજરી આપી
ગોધરાઃસમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનને મજબુત બનાવવા માટે પ્રદેશ કક્ષાના નેતાઓ દ્વારા ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં પ્રવાસ કરી રહ્યા છે અને જિલ્લા સંગઠનના પદાધિકારીઓ સાથે મિટિંગ કરી જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ડૉ. તાહેરી હૉલમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ દ્વારા મિશન વિસ્તાર કાર્યક્રમ 25 જૂલાઇના રોજ યોજાયો હતો. જેમાં પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી, રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલીયા, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, દક્ષિણ ઝોનના કાર્યકારી પ્રમુખ અને દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા તથા ઝોનના સહમંત્રી જયેશભાઇ સંગાડા હાજર રહ્યા હતા. તમામ નેતાઓનું પાર્ટીના પદાધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તે બાદ સૌ નેતાઓએ પાર્ટીના સંગઠનને મજબુત બનાવવા તથા આવનારી હાલોલ અને કાલોલ નગરપાલિકાની ચૂંટણી માટે તૈયારી કરતા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ૫૫૦૦૦થી વધારે બુથો પર કાર્યકરોની મજબુત ટીમ બનાવવા, લોકોની સ્થાનિક સમસ્યાઓની રજુઆત કરવા કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી એ કહ્યું હતું કે ગુજરાતમાં આજે ભાજપ સામે આમ આદમી પાર્ટી જ અવાજ ઉઠાવે છે, તેથી લોકો પાર્ટીને આવકારે છે. ૪૧ લાખથી વધારે વોટ ગુજરાતમાં મળ્યાં છે તેથી આપણી જવાબદારી બને છે કે, લોકોની સાથે રહીએ અને મદદ કરીએ. ગોપાલભાઈ ઇટાલીયા એ કહ્યું હતું કે ભાજપ તેમના કાર્યકરોને બધી રીતે નબળા બનાવીને ટિકિટ આપે છે અને તેઓ જ્યારે ચૂંટાય તો પણ નબળા જ રહે છે, લોકોની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો પણ તેવો અવાજ ઉઠાવી નથી શકતા જ્યારે બીજી બાજું આપણા કાર્યકરો મજબુતાઈથી લડી રહ્યા છે. પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા એ કહ્યું હતું કે, આપણે સૌએ ચૈતરભાઇ વસાવા બનવાનું છે તેમના જેવું કામ કરીશું તો ભાજપને પણ કરાવીશું. ચૈતરભાઇ વસાવાએ આવનારી ચૂંટણીઓ આપણે જીતવાની છે તે માટે આપણે સતત સાથે રહીને આગળ વધીશું, દર મહિને મળતા રહીશું અને તમામ પદાધિકારીઓએ પોતાના પદને અનુરૂપ કામગીરી કરવાની રહેશે અને સક્રિય રહેવું પડશે જેવી સૂચનાઓ આપી હતી.પંચમહાલ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જિલ્લા સંગઠની સ્થિતિ વિશે જાણકારી આપી હતી જ્યારે લોકસભા ઇન્ચાર્જ ભાણાભાઈ ડામોરે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન હાલોલ તાલુકા પ્રમુખ ગુરુ રાજસિહ ચૌહાણે કર્યું, આ કાર્યક્રમમાં જિલ્લામાંથી 200 થી વધારે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *