સંઘપ્રદેશ દમણ: દમણમાં ભાજપા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા આજે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 1999માં ભારતીય સેનાના જાંબાઝ જવાનો દ્વારા પાકિસ્તાની સેનાની સામે જંગ જીતીને કારગિલમાં જીત મેળવી હતી. આ વિજયની સ્મૃતિમાં દર વર્ષે 26 જુલાઈને કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
દમણમાં નાની દમણના મશાલ ચોકથી દમણ સ્વામી વિવેકાનંદ ઓડીટોરિયમ સુધી તિરંગા અને મશાલ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં દાનહ દમણ દીવ ભાજપના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલ, નગર પાલિકા પ્રમુખ અસ્પીભાઈ દમણિયા, જીજ્ઞેશ ડાહ્યાભાઈ પટેલ, નવીન પટેલ, મીડિયા કન્વીનર મજીદ લધાની સહિત અન્ય કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ રેલી બાદ ઓડીટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં કારગીલ યુદ્ધ લડી ચૂકેલા ભારતીય સેનાના જવાન જગમોહનસિંહ ગોસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પાકિસ્તાની સેનાના ફાયરિંગનો કેવી રીતે વળતો જવાબ આપ્યો અને કેટલી મુશ્કેલીઓ બાદ કારગીલ યુદ્ધ જીત્યું તેના સ્મરણો ઉપસ્થિત લોકોને જણાવ્યું.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ