દમણના કલરીયાથી વાપીના વટારને જોડતા સાંકડા માર્ગ પર મોટી ખાડી આવેલી છે, જે આખું વર્ષ પાણીથી સરભર રહે છે, આ માર્ગ પર વાપી પબ્લિક સ્કૂલ આવેલી હોય વિદ્યાર્થીઓ ભરેલી બસો તેમજ દમણથી ગુજરાત જતા વાહનો રોજિંદા ક્રમે પસાર થતા હોય છે, આખું વર્ષ પાણીથી ભરાયેલી રહેતી ખાડીના કિનારેથી જ લાંબો રોડ પસાર થતો હોય આ સ્થળે જો કોઈ અકસ્માત સર્જાય અને ડ્રાઈવરનું નસીબ જોર ન મારતું હોય તો બેકાબુ બનેલું વાહન સીધું ખાડીમાં ખાબકવાની સંભાવના વધી જાય છે, જેથી ભવિષ્યમાં કોઈ જીવલેણ અકસ્માત ન સર્જાય અને વાહનો ખાડીમાં ખાબકતા અટકે એવા ઉદેશ સાથે તંત્ર દ્વારા આખી ખાડીના છેડા સુધી ગાર્ડરેલ લગાવી દેવામાં આવી છે, હજી 10 દિવસ પહેલા જ આ રોડ પર કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,
કારમાં સવાર પતિ પત્નિ અને એક નાના બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી, તો અકસ્માત સર્જનાર કન્ટેનર કોઈપણ પ્રકારના પ્રતિરોધના અભાવે સીધું ખાડીમાં ખાબકયું હતું, જો કે સદ્નસીબે કન્ટેનર ખાડીના કિનારે જ અટકી જતા મોટી જાનહાની થતા બચી હતી, જે બાદ સફાળા જાગેલા તંત્રએ ખાડીને ફરતે લોખંડની મજબૂત ગાર્ડરેલ લગાવી દીધી છે, જો કે સાંકડા રસ્તાનું જોખમ હજી પણ વાહન ચાલકો માથે તોળાયેલું જ રહ્યું છે, જે બાબતે ગામલોકો દ્વારા અનેકવાર ઉચ્ચસ્તરીય રજૂઆતો કરવામાં આવી છે, પણ હજુ સુધી તેનું નિરાકરણ આવ્યું નથી, ત્યારે આગામી સમયમાં રોડને પહોળો કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામા આવે તેવી માંગ ગામલોકો કરી રહ્યા છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ