સ્વ.કમલાશંકર એસ.રાયની 21મી પુણ્યતિથીએ રક્તદાતાના સહયોગથી 1175 યુનિટ રક્ત એકત્ર થયું
ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે સામાજિક આગેવાન સ્વ. કમલાશંકર.એસ.રાયની 21મી પુણ્યતિથિ નિમિત્તે યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું.જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તનું દાન કરતા કુલ 1175 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ સરીગામના ચેરમેન રાકેશ રાયે જણાવ્યું હતું કે તેમના સ્વર્ગીય પિતા કમલાશંકર રાય સરીગામ અને ઉમરગામ તાલુકાના રાજકીય અગ્રણી હતા.જેમની આ 21મી પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.તેમની દરેક પુણ્યતિથિએ સેવાકીય કાર્ય કરવામાં આવતા રહ્યાં છે.જે અંતર્ગત આ ત્રીજો રક્તદાન કેમ છે. પ્રથમ રક્તદાન શિબિરમાં 365 રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું હતું.જ્યારે બીજા રક્તદાન કેમ્પમાં 831 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ ત્રીજી વખતનો કેમ્પ છે જે સાચા અર્થમાં મહા રક્તદાન શિબિર બન્યો હતો.રક્તદાતાઓના સહયોગથી 1175 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
વરસાદી માહોલ હોવા છતાં પણ રક્તદાતાઓ અને સામાજિક આગેવાનો શિબિરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ આખું વર્ષ સામાજિક સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી થતું આવ્યું છે.ટ્રસ્ટના સભ્યો અને ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાય અકસ્માત ગ્રસ્ત કે જરૂરિયાતમંદ દરેક વ્યક્તિ માટે મદદરૂપ બનતા આવ્યા છે.જ્યારે પણ જેને રક્તની જરૂર હોય ત્યારે તે રક્તની ઘટ પુરી કરવા તત્પર રહે છે.આખા વર્ષમાં 200 થી 300 લોકોની રક્તની જરૂરિયાત પૂરી કરી રહ્યા છે.રાકેશ રાયના પિતા સ્વ.કમલાશંકર એસ.રાયની આ વિસ્તારમાં સારી નામના છે.તેમના સેવા કાર્યની સુવાસને આગળ વધારવાનો રાય પરિવારનો આ પ્રયાસ સફળ થઈ રહ્યો છે.જેમાં દરેક નામી અનામી લોકો પોતાને સહયોગ આપી રહ્યા છે.
આ રક્તદાન શિબિરમાં સામાજીક સંસ્થાઓના આગેવાનો, ઉમરગામ તાલુકાના શ્રેષ્ઠીઓ, વેપારી અગ્રણીઓ, વિવિધ સંસ્થાના હોદેદારો સહિતના લોકો ઉપસ્થિત રહયા હતાં.લાયન્સ બ્લડ બેન્ક વાપી અને માનવ આરોગ્ય સેવા કેન્દ્ર પારડી તથા વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિર અંતર્ગત કાર્યક્રમના મુખ્ય મહેમાન અખંડાનંદ આશ્રમ પુનાટના મહંત અખંડાનંદ સરસ્વતીજી અને જયા સરસ્વતીજી, દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સત્યેન્દ્રસિંગ, સરીગામ ગ્રા.પંના સરપંચ સહદેવ વઘાત, SIAના પ્રમુખ નિર્મલ દુધાની, APMC ચેરમેન હર્ષદ શાહ, SIA પૂર્વ પ્રમુખ કમલેશ ભટ્ટ, ઉદ્યોગપતિઓ સહીત વિવિધ સંસ્થાઓના આગેવાનો, સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા.તમામે પ્રાર્થના ગીત રજૂ કરી સ્વ.કમલાશંકર રાયને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.કાર્યક્રમમાં અગ્નિવીર ગૌસમિતિને રાય પરિવાર દ્વારા ગૌ સેવા માટે દાન અપાયું, અખંડાનંદ આશ્રમની ગૌશાળા માટે ટ્રસ્ટ દ્વારા મહાદાન અર્પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે તમામ રકતદાતાઓને પ્રોત્સાહિત ઇનામ અને સર્ટિફિકેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ