વાપીની ક્લિપકો કંપનીમાં મૃત્યુ પામનાર યુવાનના પરિવારની વ્હારે આવ્યા વાંસદાના MLA અનંત પટેલ

યુવાનનું વીજ કરંટ લાગવાથી મૃત્યું થયું પરંતુ કંપનીના માલિકે હાર્ટએટેક આવ્યો હોવાનું કહી મામલો રફેદફે કરવાનો પ્રયાશ કર્યો

વાપી GIDCમાં ફર્સ્ટ ફેઈઝમાં આવેલ ક્લિપકો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત રોજ એક કામદારનું મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહ નહિ સ્વીકારી આ અંગે ન્યાયની માંગ કરતી અરજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને કરી હતી. જેથી MLA અનંત પટેલે કંપનીની મુલાકાત લઈ ઘટના કઈ રીતે બની તેનું નિરીક્ષણ કરી કંપનીના માલિકો સાથે મૃતકના પરિવારને વળતર મળે તેમજ મૃત્યુના ચોક્કસ કારણો જાણવા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે GIDC પોલીસ મથકે PI સમક્ષ રજૂઆત કરી હતી.સમગ્ર ઘટના અંગે મળતી વિગતો મુજબ મૂળ નવસારીના વાંસદા તાલુકાના કુરેલીયા ગામે રહેતો 38 વર્ષીય સુનીલ પરભુ પટેલ વાપી GIDCમાં ફર્સ્ટ ફેઈઝમાં આવેલ ક્લિપકો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં 9 વર્ષથી કામ કરતો હતો.જે ગત રોજ કંપનીમાં ફરજ પર કામ કરી રહ્યો હતો. ત્યારે,તેમના ટેબલ નજીક અચાનક ઢળી પડ્યાં બાદ તેનું મૃત્યુ નિપજ્યું હતું.જે અંગે કંપની સંચાલકોએ તેને એટેક આવતા મૃત્યુ પામ્યો હોવાનું જણાવી મૃતકના મૃતદેહને તેમના પરિવારજનો પાસે મોકલી આપ્યો હતો.

પરિવારજનોને આ અંગે શંકા જતા તેના મૃત્યુનું ચોક્કસ કારણ જ્યાં સુધી જાણવા મળે નહીં ત્યાં સુધી મૃતદેહને નહીં સ્વીકારવાનું જણાવી આ સમગ્ર ઘટના અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સમક્ષ ન્યાયની માંગ કરી હતી. જેથી MLA અનંત પટેલ વાપીમાં આવેલ ક્લિપકો કંપનીની મુલાકાતે આવ્યાં હતાં.અને કંપનીના કામદારો સાથે તેમજ માલિકો સાથે ચર્ચા કરતાં કામદારોએ જણાવ્યું હતું કે,મૃતક સુનિલ જે ટેબલ ઉપરના મશીન પર કામ કરતો હતો.ત્યાં તેને વીજ કરંટ લાગ્યો હતો જેથી વીજ સપ્લાયની સ્વીચ બંધ કરતા જ તે ઢળી પડ્યો હતો.આ ઘટના દરમ્યાન અન્ય કર્મચારીને પણ કરંટની ઝણઝણાટી વર્તાઈ હતી.જે સાંભળી MLA અનંત પટેલે કંપનીના સંચાલકોને ઉધડા લીધા હતાં. જે બાદ વાપી GIDC પોલીસ મથક ખાતે આવી પોલીસ ઇન્સ્પેકટર મયુર પટેલ સમક્ષ આ મામલે તપાસ કરવા રજુઆત કરી હતી.

સમગ્ર મામલે અનંત પટેલે જણાવ્યું હતું કે,સુનિલનું મૃત્યુ કંપની સંચાલકોની બેદરકારીથી થયું છે.કંપનીમાં ઠેકઠેકાણે ખુલ્લા વીજ વાયરો છે. અને ચોમાસાનું ઋતું છે ત્યારે શેડમાંથી પાણી પડે છે.અને તે ઘટના પર કંપની સંચાલકો ઢાંક પિછાળો કરી વાત ગોટાળે ન ચડે તેના માટે પ્રયાસો કરી રહ્યાં છે.જેથી અમારી માંગ છે કે,મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થાય.તેના વિશેરા લેબમાં મોકલવામાં આવે.મૃતક પરિવારમાં તેમની પત્નીને વળતર અને પેંશન મળે,બાળકોની શિક્ષણની જરૂરિયાત પૂરી કરવામાં આવે અને હાલ આ મામલે કંપનીના કામદારો સ્ટ્રાઈક પર છે.અને જ્યાં સુધી કંપની સંચાલકો ન્યાય નહિ આપે ત્યાં સુધી સ્ટ્રાઈક પર રહેશે, અને જેમનો જે પગાર છે તે પણ ચુકવવામાં આવે આવે તેની માંગ કરી હતી.જો કંપની સંચાલકો આ માંગનો અસ્વીકાર કરશે તો કંપનીની સામે તેઓ પોતે કામદારો સાથે ધરણા પર બેસશે તેવું જણાવ્યું હતું.

મૃતક સુનિલના પરિવારજન એવા બિપિન પટેલે જણાવ્યું હતું કે,મૃતક બિપિન પરિવારમાં પત્ની, 2 નાની વયના સંતાનો અને માતાપિતા માટે એક જ કમાનાર વ્યક્તિ હતો.તેના માતાપિતા બન્ને બિમાર છે. ત્યારે ઘરની સારવાર અને પરિવારનો ખર્ચ તે પોતે જ ઉઠાવતો હતો.જેના જવાથી પરિવાર નિઃસહાય બન્યો છે.જેથી તેમના પરિવારને આર્થિક સહાય મળે,તે માટે હાલના MLA અનંત પટેલ પાસે ન્યાયની આશા સાથે માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે,MLA અનંત પટેલ સાથે કંપનીના 400 જેટલા કામદારો,કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.જેઓએ કંપનીમાં સ્થળ વિઝીટ કરી સંચાલકો સાથે ચર્ચા કરી હતી. જે બાદ વાપી GIDC પોલીસ મથકે પણ કામદારોની ભીડ ઉમટેલી જોવા મળી હતી. તમામે મૃતક સુનિલના પરિવારને ન્યાય મળે તેવી આશા સેવી છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *