દમણ:દમણના રીંગણવાડા તીન રોડ પાસે માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.પોલીસે જણાવ્યા મુજબ, આ અકસ્માત રાત્રે થયો હતો. બસ નંબર DD.03.R.9435 રીંગણવાડાથી સોમનાથ તરફ જઈ રહી હતી ત્યારે DD.03.N.6671 નંબરના સ્કૂટર સાથે અથડાતાં સ્કૂટર બસની નીચે આવી ગયું.સ્કૂટર પર મુસાફરી કરી રહેલા અશોક બહાદુર મંડલ (35 વર્ષ) અને મુકેશ વેધાનાથ મંડલ (52 વર્ષ)ના ઘટના સ્થળે જ મોત થયા હતા.
આ બંને ઝારખંડ અને બિહારના વતની હતા અને દમણમાં રિલાયન્સના ગોદામમાં કામ કરતા હતા.ઘટનાના જાણ આસપાસના મુસાફરોને થતાં જ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. બંને મૃતદેહોને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં હતાં.આ ગમખ્વાર અકસ્માત સર્જાતાં બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે જેથી કાચીગામ પોલીસ નજીકના સીસીટીવી ફૂટેજના આધારે બસ ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.દમણના રીંગણવાડા અને કાચીગામ ચાર રસ્તા પાસે મોટાભાગના અકસ્માતો સર્જાતાં જ રહે છે જેમાં વાહન ચાલકો જીવ ગુમાવે છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ