ચોમાસાના કાદવ કીચડવાળા માર્ગથી વાહન ચાલકોના વાહનો કાદવમાં લઇને જતાં કીચડમાં ફસાવવા લાગ્યાં
સંઘપ્રદેશ દમણના સોમનાથ સર્કલથી કચીગામ તરફ જતો રસ્તો વાહન ચાલકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. કારણે કે, આ વિસ્તારના રસ્તા પર છેલ્લા ઘણા સમયથી મંથર ગતિએ ચાલી રહેલા વિકાસીય કાર્યોને લઈ આખા રસ્તા પર ખાડા અને માટીના મોટા મોટા થર જામી જતા નાના મોટા વાહનો માટીમાં ધસી જતાં વાહન ચાલકોની સાથે અહીંથી પસાર થતા રાહદારીઓ એ અનેક અગવડતા નો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા ઘણા સમય થી દમણ ના વિવિધ વિસ્તારના નાના મોટા રસ્તાઓ અતિ જર્જરિત બની જવા પામ્યા છે. જેને કારણે દમણ પર્યટન સ્થળની જગ્યા એ હવે અતિ જર્જરિત અને ખાડાઓની ભરમાર વાળા રસ્તાઓ તરીકે જાણીતું બની ગયું છે. આ અંગે સોશિયલ મીડિયામાં પણ ખાડા વાળા રસ્તાઓને ને લઈ અનેક રમુજી રિલ્સ લોકો બનાવી રહ્યા છે. ત્યારે દમણના અતિવ્યસ્ત ગણાતા સોમનાથ સર્કલથી કચીગામ તરફ જતા રસ્તાની સમસ્યા સામે આવી છે. છેલ્લા ઘણા લાંબા સમયથી આ વિસ્તારમાં વિકાસીય કાર્યો ચાલી હોય. જેના કારણે આખે આખો રસ્તો ખોદાય જવા પામ્યો હતો. અને આખા રસ્તા પર માટી પથરાય જવા પામી હતી. ત્યારે ચોમાસાની ઋતુ શરૂ થઈ જતા ની સાથે આ માટી કાદવ કીચડમાં પરિવર્તિત થઈ જતાં અહીંથી પસાર થતા નાના મોટા વાહન ચાલકો, સ્કૂલ બસ, રીક્ષા તથા અન્ય ટ્રાન્સપોર્ટ ના વાહનોની સાથે ખાસ કરીને રાહદારીઓએ અનેક પારાવાર મુશ્કેલીનો સામનો કરી આ રસ્તા પરથી અવરજવર કરવી પડી રહી છે.
બે ચોમાસા વીતી ગયા બાદ પણ આ વિસ્તારના રસ્તામાં કોઈ પણ પ્રકારનો પ્રશાસન દ્વારા સુધારો ન કરવામાં આવતા પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી છે. ત્યારે છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે રસ્તા પરની માટી કાદવ કિચડના મોટા મોટા થરમાં પરિવર્તિત થઈ જતાં સોમવારના રોજ આ વિસ્તારના રસ્તા પર એક મોટી ટ્રક અને એક કાર ચીકણી માટીના મોટા થરમાં ફસાઈ જતા બન્ને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તરફ આજરોજ થી શરૂ થયેલ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈ ભાવિક ભક્તોએ પણ આ વિસ્તારમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થે નવી બનેલી ગટરના ઢાંકણા પરથી ચાલીને જવાની ફરજ પડી હતી. ત્યારે કાદવ કીચડ અને ખાડાઓની ભરમાર બની ચુકેલા આ રસ્તા અંગે અનેકવાર જવાબદાર તંત્રને લેખિત અને મૌખિક માં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકો પણ હવે ઉશ્કેરાય જવા પામ્યા છે. જો કે, રસ્તા પર કાદવ કિચડના થર જામી ગયા હોય અને ટ્રાફીક જામ થઈ ગયું હોવાની જાણ આ વિસ્તારમાં રહેતા પિયુષ પટેલ નામના રહીશને થતાં તેમણે તેમના જે.સી.બી. વડે રસ્તા પર પથરાયેલા કાદવ અને માટીના થર ને હટાવવાની કામગીરી કરતા મહદ અંશે વાહન ચાલકોને રાહત થવા પામી હતી. સાથે રાત્રે કે દિવસ દરમિયાન જો કોઈ વાહન સોમનાથ કચીગામના કાદવ કિચડ વાળા જર્જરીત રસ્તામાં ધસી જાય તો તેવા વાહનોને પણ નિઃશૂલ્ક ક્રેનની મદદથી કાઢી આપવાની પ્રતિબધ્ધતા દર્શાવી હતી. ત્યારે હવે આ અંગે જવાબદાર તંત્ર જલ્દીથી લોકોને પડી રહેલી પારાવાર મુશ્કેલી માંથી છુટકારો આપી દમણના વિવિધ વિસ્તારના જર્જરીત બની ચૂકેલા રસ્તાની જરૂરી સમારકામ કાર્ય હાથ ધરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ