વલસાડના વાપીમાં આજે સવારે એક પેટ્રોલ પંપ પર અચાનક ઇકો કારમાં આગ ફાટી નીકળતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી. સદનસીબે વાપી ફાયબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કારમાં લાગેલી આગને કાબુમાં લેતાં મોટી હોનારત થતા અટકી હતી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/08/Screenshot-2024-08-09-171323.png)
સમગ્ર મામલે કારના માલિક પાસેથી મળતી વધુ વિગતો મુજબ, વાપીના એક ગેરેજમાં ઇકો કાર નંબર GJ. 27.DM.8985 રીપેરીંગ માટે આવી હતી. જે કાર રિપેર થઈ ગયા બાદ ગેરેજ સંચાલકે ઇકો કારના માલિકે નજીકમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવી ટ્રાયલ મારવા માટે જણાવ્યું હતું. જેમાં ઇકો કારના માલિકે વાપી હાઇવે પર નજીકમાં આવેલા HP પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવ્યાં બાદ ઇકો કાર ચાલુ કરવા જતાં જ કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેને લઇને પેટ્રોલ પંપ પર ભારે ભાગદોડ મચી જવા પામી હતી. આ બનાવ બનતાની સાથે જ લોકો દોડી આવીને, સળગતી કારને પેટ્રોલ પંપ પરથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડી હતી.વાપી ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લઇ લેતાં મોટી હોનારત થતાં અટકી હતી.જેથી લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ