વાહનચાલકો… માર્ગ અને મકાન વિભાગના અધિકારી-કોન્ટ્રાક્ટરની બુદ્ધિ બહેર મારી ગઈ છે?
શુક્રવારે ઔરંગા ટાઈમ્સમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે, વાપી સેલવાસ માર્ગની જેમ વાપી નજીક આવેલ બલિઠા ફાટકથી લઇ દાંડીવાડ કબ્રસ્તાનને લગતા રોડ પર પણ મસમોટા ખાડાઓ જીવલેણ બની રહ્યા છે. અવારનવાર અહીં નાનામોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે. તેમ છતાં પંચાયત કે માર્ગ મકાન વિભાગ આ રસ્તાઓની મરામત કરવામાં આંખ આડા કાન કરે છે. જો કે, આ અહેવાલ બાદ તંત્રએ આળસ ખંખેરી માર્ગની મરામત કામગીરી હાથ ધરી છે. પરંતુ, એમાં પણ એવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કે, હવે આ માર્ગ પર વાહનચાલકો ખાડામાં પડીને નહિ પરંતુ, સ્લીપ થઈને પટકાઇ રહ્યાં છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-11-at-8.38.15-AM-1024x577.jpeg)
બલિઠાનો આ માર્ગ ભારે વાહનોની અવરજવરથી ધમધમતો માર્ગ છે. માર્ગ પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલ હોય ખાડો કેટલો ઊંડો છે. તેનો અંદાજ લગાવવામાં વાહનચાલકો ગફલત કરી રહ્યાં હતાં. આ રોડ એસ.ટી. બસો, નોકરીયાતોના વાહનો, સ્કૂલ બસ, ભારે વજનની ટ્રકો માટે મહત્વનો માર્ગ મનાય છે. ખાડાઓમાં કંઈ કેટલી બાઈક સ્લીપ થતી હતી. હવે, અહીંના નેતાઓ, સરપંચો અને આ રોડને લાગતા વળગતા અધિકારીઓ તેની મરામત કરાવવા મેદાને પડ્યાં છે. પરંતુ પાણી ભરેલા ખાડામાં માટીનું એવું મટીરીયલ પાથરી દીધું છે કે જેને કારણે આ આખો માર્ગ હવે ખાડા માર્ગને બદલે કિચ્ચડ માર્ગ બન્યો છે. પહેલા વાહનચાલકો ખાડામાં ખાબકતા હતાં. હવે રીતસરના કિચ્ચડમાં સ્લીપ થઈ રહ્યા છે.
વાપી-સેલવાસ, બલિઠા ફાટક થી દાંડીવાડ ઉપરાંત ચલા-દમણ, બલિઠા નેશનલ હાઇવેથી છરવાડા અન્ડર બ્રિજ, વાપી સર્કિટ હાઉસથી રેલવે ગરનાળુ, વાપી ટાઉનથી કચીગામ રોડ જેવા તમામ મુખ્ય માર્ગોની આ જ દશા છે. જેનું મરામત કામ જો આ રીતે જ હાથ ધરાશે તો આ બુદ્ધિના પ્રદર્શનમાં હજુ વધુ વાહનચાલકો પોતાના હાથ-પગ ભાંગશે અને વાહનનું નુંકસાન વહોરશે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં પડેલા ખાડાઓમાં જ્યાં પણ બ્લોક બેસાડવામાં આવ્યા છે. ત્યાં ખાડાઓનું પ્રમાણ ખુબ ઓછું જોવા મળ્યું છે. આ આટલી વાત તંત્ર અને નેતાઓ સમજે જરૂર છે. પરંતુ તેમ છતાં માટી-કપચીનું મટીરીયલ પાથરી વાહનચાલકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. આવા અધિકારીઓ અને તેમના પરિવારોનું સ્વજન જો એમાં પટકાયા કરે તો જ કદાચ સદ્દબુદ્ધિ આવે એવી પ્રતીતિ હાલ તો આ બુદ્ધિના પ્રદર્શનથી વાહનચાલકોને થઈ રહી છે. પૈસા બચાવી ભ્રષ્ટાચાર કરવા કરતાં લોકોની જાનમાલની નુંકસાની ઓછી કેમ થાય એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે સમયની માંગ છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ