સાંજના સાત વાગ્યા સુધીમાં 45 હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થ શ્રદ્ધાળુઓથી છલકાયું હતું. વહેલી સવારે 4:00 વાગ્યા થી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્યા હતા ત્યારે શ્રદ્ધાળુઓ બમબમ ભોલે, હર હર મહાદેવ, ના નાદ સાથે શાંતિપૂર્ણ રીતે સોમનાથ દાદા ના દર્શન મેળવવા માટે કતારોમાં ઉભા હતા. નવી દર્શન વ્યવસ્થાને કારણે કોઈપણ યાત્રીને ગણતરીની મિનિટોમાં સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત થાય તેની ખાતરી કરવામાં આવી છે.
સવારે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા ટ્રસ્ટ પરિવાર સમેત પાલખી પૂજા કરી પાલખીયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા.ત્યારે શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મંદિરમાં અનેકવિધ પૂજાઓ ભક્તો દ્વારા નોંધાવવામાં આવી હતી. સોમનાથ મહાદેવની 62 સોમેશ્વર મહાપૂજા, 60 ધ્વજા પૂજા, સહિત રુદ્રાભિષેક પાઠ, બિલ્વ પૂજા, શૃંગાર પૂજા, સહિતની પૂજા ભાવિકો દ્વારા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી. જેથી આ શ્રાવણ માસના બીજા સોમવારના દર્શનનો લ્હાવો માણવા મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
ગીર સોમનાથથી મહેશ ડોડીયાનો રીપોર્ટ