વાપી :-વાપીમાં એક બિલ્ડરે તેમની ઓફિસમાં ફાયરિંગ કરતા પોલીસ દોડતી થઈ હતી. બિલ્ડરે અન્ય બિલ્ડરને આપેલી જમીનમાં બેન્ક લોનનો બોજો હોય તેને કારણે જમીન લેનાર બિલ્ડરોની એન્ટ્રી પડતી નહોતી. એ અંગે બિલ્ડરની ઓફિસમાં રજુઆત કરવા ગયા હતાં. ત્યારે આ ઘટના ઘટી હતી. જેમાં કોઈને કોઈ ઇજા થઇ નથી.જો કે ઘટના બાદ પોલીસે ફાયરિંગ કરનાર બિલ્ડરને વેપન્સ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા શાંતિ કોમ્પલેક્ષમાં ફાયરિંગની ઘટના ઘટી હતી. જેની જાણકારી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને ફાયરિંગ કરનાર ગિરિરાજ સિંહ જાડેજાની હથિયાર સાથે ધરપકડ કરી છે. ફાયરિંગની આ ઘટના અંગે વાપી DSP ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું. આ સમગ્ર મામલો એક જમીનને લઈને છે. જેમાં બિલ્ડર ગિરિરાજસિંહ જાડેજાએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. આ ગિરિરાજસિંહ જાડેજાએ વાપી વલસાડ અને સુરતના બિલ્ડરોની ભાગીદારી પેઢી એવી શિવ શક્તિ ડેવલોપર્સને વાપી નજીક આવેલ છરવાડામાં પોતાની માલિકીની 22 ગુંઠા જમીન વેચી હતી. જેની તમામ રકમ જમીન ખરીદનારાઓએ ટુકડે ટુકડે ચૂકવી હતી. જે રકમ કુલ 5.29 કરોડ હતી. રકમ ચૂકવ્યા બાદ અને દસ્તાવેજની પ્રક્રિયા હાથ ધરી એન્ટ્રી કરવા સમયે ભાગીદારી પેઢીને જાણકારી મળી કે આ જમીન પર ગિરિરાજસિંહ જાડેજાએ 2.49 કરોડની બેંક લોન લીધી છે. જે બોજો હોય શિવ શક્તિ ડેવલોપર્સની એન્ટ્રી થઈ શકતી નહોતી. જેથી તેઓએ વારંવાર ગિરિરાજસિંહ જાડેજા નો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. પરંતુ ગિરિરાજ સિંહ જાડેજા તેમને મળતો નહોતો. સોમવારે ભાગીદારી પેઢીના બિલ્ડરો તેમની ઓફિસે ગયા હતા. ત્યાં તેઓ ગિરિરાજ સિંહની રાહ જોઈ રહ્યા હતા. તે અરસામાં તે તેમની ઓફિસમાંથી બહાર આવ્યો હતો. અને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે દ્વારા ગિરિરાજસિંહની હથિયાર સાથે ધરપકડ કરી છે. ગીરીરાજસિંહ પાસે લાયસન્સ ના પરવાળા બે વેપન્સ છે જે પણ કબજે કરવામાં આવ્યા છે. આ ઘટનામાં પોલીસ દ્વારા એટેમ્પટ ટુ મર્ડર અને આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગિરિરાજસિંહ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં કોઈને પણ ઇજા થઈ નથી. કદાચ તેમને ડરાવવા માટે આ રાઉન્ડ ફાયરિંગ ઓફિસની ફર્શ પર કર્યું હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. શિવ શક્તિ ડેવલોપર્સની ભાગીદારી પેઢીના વિનોદ આહિરે જણાવ્યું હતું કે છરવાડામાં 217 પૈકી એક બ્લોક નંબરની આ જમીન શિવ શક્તિ ડેવલોપર્સની ભાગીદારી પેઢીના નામે 2019 માં ખરીદી હતી. 22 ગુંઠા જમીન પેટે તેમના દ્વારા રકમ ચૂકતે કરવામાં આવી હતી. જોકે જમીન પર બોજો હતો. જે લોનનો બોજો હટાવવા માટેની વાતચીત કરવા તેઓ તેમની ઓફિસે ગયા હતા. ત્યારે ગિરિરાજસિંહ જાડેજા એ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ડરાવવાની કોશિશ કરી હતી. શિવ શક્તિ પેઢીના ભાગીદારોએ જણાવ્યું હતું કે અમારી એક જ માંગ છે કે આ જમીનને બોજા મુક્ત કરી એન્ટ્રી પાડી આપે.ઉલ્લેખનીય છે કે,જમીન વેચનાર બિલ્ડર દ્વારા જમીન ખરીદનાર બિલ્ડરને ડરાવવા કરેલા ત્રણ રાઉન્ડ ફાયરિંગ બાદ આ ઘટનાને લઈ વાપી પંથકમાં ચકચાર જાગી છે. તો, પોલીસની ત્વરિત કાર્યવાહીની પ્રસંશા થઈ રહી છે. પોલીસે મિસ ફાયર થયેલ કારતુસ અને CCTV ફૂટેજ કબ્જે કરી સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ